પાલનપુર,તા.ર૩
પાલનપુરમાં યુથ કોગ્રેસના કાર્યકરો દ્વારા ભારત બચાવો આંદોલન અંતર્ગત રેલી યોજી કલેકટરને રજૂઆત કરાઇ હતી ત્યારે કલેકટર કચેરીમાં ઘુસી જવાના મુદ્દે પોલીસ તેમજ યુથ કાર્યકરો વચ્ચે ઘર્ષણથી ઉતેજના ફેલાઈ ગઈ હતી.
પાલનપુર ખાતે આજે યુથકોંગ્રેસના કાર્યકરોની એક સભા યોજવામાં આવી હતી. જે બાદ રેલી યોજવામાં આવી હતી. ભાજપ સરકાર હાય…હાય…ના સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે રેલીને જાહેર માર્ગો ઉપર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. જે બાદ કાર્યકરો જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કચેરીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં તૈનાત કરાયેલા પોલીસ કર્મચારીઓએ તેમને રોકયા હતા. આ મુદ્દે ચડસા ચડસી બાદ કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કા- મુક્કી સાથે ઘર્ષણ થયું હતુ. જેમાં પોલીસે હળવો બળ પ્રયોગ કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. જોકે, સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. જે બાદ યુથ કોંગ્રેસના અગ્રણીઓેએ કલેકટર કચેરીમાં પ્રવેશ કરી જિલ્લા કલેકટર સંદિપ સાગલેને રજૂઆત કરી હતી.
આ અંગે યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને બનાસકાંઠા પ્રભારી અજયવાઘેલાએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, અમો કેન્દ્ર સરકારની નિષ્ફળતાની કલેકટર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. તે વખતે પોલીસ દ્વારા અમારી ઉપર દમન ગુજારવામાં આવ્યું છે. જો પોલીસ સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી સયમમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.