(એજન્સી) પટના, તા.૧૦
ભારત બંધ દરમિયાન બિહારના જહાનાબાદમાં બે વર્ષીય બાળકીનું મોત થયું છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, ભારત બંધના કારણે રસ્તા પર જે ચક્કાજામ કરવામાં આવ્યું તેના કારણે એમ્બ્યુલન્સ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ સમય રહેતા ટ્રાફિક જામ ન ખૂલતા બાળકીએ રસ્તામાં જ દમ તોડી નાખ્યો. જહાનાબાદમાં કોંગ્રેસ અને વિપક્ષે એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો ન હતો. પરિજનોએ જણાવ્યું કે, બે દિવસથી બાળકીની તબિયત ખરાબ હતી. હવે અચાનક તબિયત વધારે બગડતા બંધ હોવા છતાં કંઈ પણ રીતે નદી પાર કરી રિક્ષાથી જહાનાબાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જેના કારણે રસ્તામાં બાળકીએ દમ તોડ્યો હતો. ત્યાં જ જહાનાબાદના એસડીઓ પરિતોષ કુમારે બંધને કારણે બાળકીની મોત થઈ હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે, બાળકીને પરિજનો મોડેથી લાવ્યા હતા જેથી તેનું મોત થયું. ત્યાં જ ભારતબંધને અસફળ ગણાવતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોથી પૂછ્યું કે, બિહારના જહાનાબાદમાં એમ્બ્યુલન્સ સમય રહેતા હોસ્પિટલ પહોંચાડી ન શકી તેના માટે જવાબદાર કોણ છે ? તેમણે કહ્યું કે, વિરોધી તો ઠીક છે પણ જે પેટ્રોલપંપ અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. તેની જવાબદારી કોણ લેશે ?