(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ટ્રેડ યુનિયનોની હડતાળના કારણે દેશના કેટલાક ભાગોમાં જરૂરી સેવા ખોરવાઈ હતી પરંતુ મોટાભાગના શહેરોમાં જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું અને બંધની કોઇ અસર દેખાઈ ન હતી. જુદી જુદી માંગણીઓને લઇને ૧૦ ટ્રેડ યુનિયનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના લીધે બેંકિંગ, પરિવહન સહિતની સેવાઓ ઉપર અસર જોવા મળી હતી પરંતુ સ્થિતિ એકદમ સામાન્ય રહી હતી. ૨૫ કરોડથી વધુ લોકો આજે હડતાળનો હિસ્સો બન્યા હતા. દિલ્હી સહિત મોટાભાગના શહેરોમાં બંધની અસર દેખાઈ ન હતી. મુંબઈની લાઇફલાઈન સમાન લોકલ ટ્રેનો ચાલુ રહી હતી. બેસ્ટની બસો પણ ચાલુ રહી હતી. શિવસેનાના સમર્થન બાદ પણ કોઇ અસર દેખાઈ ન હતી. જરૂરી સેવા યથાવત રહી હતી. શિવસેનાએ કેન્દ્ર સરકારની નીતિઓ અને નિર્ણયોને લઇને બંધને સમર્થન આપ્યું હતું પરંતુ મુંબઈમાં કોઇ અસર દેખાઈ ન હતી. શિમલામાં હિમવર્ષા વચ્ચે પણ લોકો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં રેલી યોજવામાં આવી હતી. વિજયવાડામાં રાધમ સેન્ટરથી રેલી યોજવામાં આવી હતી. ભાજપ શાસિત રાજ્યોમાં બંધની અસર નહીંવત દેખાઈ હતી જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બંધની અસર દેખાઈ હતી. બંગાળમાં દેખાવકારોએ હાવડામાં રેલવે ટ્રેકને નુકસાન કર્યું હતું જેથી યાત્રીઓને મુશ્કેલી નડી હતી. બીજી બાજુ બંગાળના જ ઉત્તરીય ચોવીસપરગનામાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના કુચબિહારમાં બંધ દરમિયાન દેખાવકારોએ બસમાં તોડફોડ કરી હતી. સિલિગુડીમાં બસ ડ્રાઇવરે હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી. અમૃતસરમાં રેલવે ટ્રેકને નુકસાન કરવાના પ્રયાસો કરાયા હતા. ઝારખંડ અને બિહારમાં મિશ્ર સ્થિતિ રહી હતી. ઉત્તરપ્રદેશમાં આની અસર દેખાઈ ન હતી.કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓની સામે ૧૦ ટ્રેડ યુનિયનો તરફથી આજે ભારત બંધની હાકલ કરવામાં આવ્યા બાદ કેટલીક જગ્યાએ તેની અસર દેખાઇ હતી. ભારત બંધની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં સરકારી બેંકો, ટ્રાન્સપોર્ટ અને બીજી સેવાને અસર થઇ હતી. કેટલીક જગ્યાએન ટ્રેનો રોકવામાં આવી હતી. જોરદાર દેખાવ કરવામાં આવ્યા હતા. દેશવ્યાપી હડતાળમાં ભાગ લઇ રહેલા અનેક સંગઠનો દ્વારા દાવો કરાયો હતો કે, ૬૦ સ્ટુડન્ટ યુનિયનો પણ સામેલ હતા. ૯મી જાન્યુઆરીના દિવસે પણ આની અસર થઇ શકે છે. બેંક ઓનલાઈન બેંકિંગની સુવિધા ઉપર પણ આની કોઇ અસર દેખાઇ રહી નથી. એક પક્ષીય શ્રમ સુધારા અને વર્કર વિરોધી નીતિઓના પરિણામ સ્વરુપે આ હડતાળ કરવામાં આવી હતી. ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે હાથ મિલાવવામાં આવ્યા હતા. હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાયા હોવાનો દાવો કરાયો હતો. ફોર્મલ અને ઇનફોર્મલ સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વર્કરો આ હડતાળમાં સામેલ થયા હતા. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી હતી. ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરોએ પણ હડતાળને ટેકો આપ્યો હતો. બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ હડતાળ ઉપર ગયા હતા. સરકાર રોજગારીની તકો ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. યુનિયનોની ૧૨ મુદ્દાની માંગણીની અવગણના કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ ન રહેતા હડતાળ પડાઈ હતી. દરમિયાન સૌથી વધારે અસર કોલકાતા અને બંગાળમાં રહી હતી. બસમાં આગ ચાંપવામાં આવી હતી. પોલીસ વાહનો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયાસ થયા હતા. પોલીસે ટોળાને અલગ પાડવા પાણીનો મારો ચલાવ્યો હતો. ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. દેખાવકારોએ ટાયરો પણ સળગાવ્યા હતા.

ભારત બંધને પગલે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં રેલવે, બસ સેવાને અસર

ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવાયેલા ભારત બંધને કારણે પશ્ચિમ બંગાળના નોર્થ ૨૪ પરગણામાં પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક જામ કર્યા હતા. તેઓ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો અને કેન્દ્રની નીતિઓની ટીકા કરી રહ્યા હતા. તેઓએ સરકાર વિરોધી પ્લેકાર્ડ, પોસ્ટરો અને બેનરો સાથે નીકળ્યા હતા. બસ સેવા પણ ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીપીઆઇએમના દેખાવકારોએ રાજ્ય પરિવહનની બસો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઓરિસ્સામાં તાલચર ખાતે સવારે ૬ વાગે જ જનઆંદોલન શરૂ થઇ ગયું હતું. જ્યારે ભુવનેશ્વર, બ્રહ્મપુર, ભદ્રક અને કેન્દુઝારગઢમાં પણ ભારે પ્રદર્શનો થયા હતા. વિવિધ શહેરોમાં ટ્રેનો રોકવામાં આવતા પ્રવાસીઓ ફસાયા હતા.

હડતાળિયાઓએ બળજબરીપૂર્વક બંધ કરાવવાનો
પ્રયાસ કરતાં બંગાળમાં ઠેર-ઠેર હિંસક ઘટનાઓ પ્રસરી

સરકારની લોકવિરોધી નીતિઓ વિરૂદ્ધ ૨૪ કલાકના બંધને દબાણપૂર્વક બંધ કરાવવાનો પ્રયાસ કરતા ડાબેરી અને કોંગ્રેસના સભ્યો સમર્થિત ટ્રેડ યુનિયનના બુધવારે બંધના પગલે બંગાળના વિવિધ ભાગોમાં હિંસાની ઘટનાઓ બની હતી. હડતાળ પર ઉતરેલા લોકોએ ટ્રેન અને માર્ગ વ્યવહાર ખોરવતા સામાન્ય જનજીવન મંદ પડ્યું હતું. પૂર્વ બર્દવાન જિલ્લામાં ટાયરો સળગાવીને માર્ગો બ્લોક કરવામાં આવ્યા હતા. ઉપરાંત રેલવે ટ્રેક પર ધરણા કરીને સેવામાં માઠી અસર પહોંચાડાઇ હતી. પૂર્વ મિદનાપુર જિલ્લામાં બસો પર પથ્થરમારો કરાયો હતો. પોલીસે જ્યારે પ્રદર્શનકારીઓને હટાવવાના પ્રયાસ કર્યા ત્યારે ઘર્ષણ થયું હતું અને કેટલાક દેખાવકારોની ધરપકડ કરાઇ હતી. પોલીસે કહ્યું કે, કોલકાતાના જાદવપુર અને સેન્ટ્રલ એવન્યૂ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડવાના પ્રયાસ કર્યા હતા જેના કારણે પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. કેટલાક દેખાવકારોને પકડવામાં આવ્યા હતા. હડતાળને સમર્થન કરતા ડાબેરીઓ અને તેનો વિરોધ કરતા તૃણમુલ કોંગ્રેસના સભ્યો વચ્ચે ડુમ ડુમ લેક ટાઉન વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરાઇ હતી.

ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળથી બેંકિંગ સેવાઓ ખોરવાઇ

સરકારની ‘લોકો-વિરોધી’ નીતિઓ સામે વિરોધ કરવા માટે ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાળના એલાનને કારણે કર્મચારીઓ હડતાળ પર જતા બુધવારે બેંકિંગ સેવાઓ ખોરવાઇ ગઇ હતી. હડતાળને કારણે સમગ્ર દેશમાં ઘણા સ્થળોએ સરકારી બેંકોમાં રોકડ ઉપાડ સહિતની બ્રાંચની પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી હતી. મોટા ભાગની બેંકોએ તેમના ગ્રાહકોને ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોસિએશન (એઆઇબીઇએ), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (એઆઇબીઓએ), બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇએનબીઓસી અને બેંક કર્મચારી સેના મહાસંઘ (બીકેએસએમ) દ્વારા હડતાળના આપવામાં આવેલા એલાન અને બેંકિંગ સેવાઓ પર તેની થનારી અસર વિશે એડવાન્સમાં જાણ કરી દીધી હતી. ટ્રેડ યુનિયનોએ એવો દાવો કર્યો છે કે સરકારની ‘લોકો-વિરોધી’ નીતિઓ સામે વિરોધ કરવા માટે પાડવામાં આવેલી હડતાળમાં આશરે ૨૫ કરોડ લોકો જોડાયા છે. એઆઇબીઇએના મહામંત્રી સીએચ વેંકટચલમે જણાવ્યું કે ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળના આપવામાં આવેલા એલાનને બેંકના કર્મચારીઓએ પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે બેંકોના મર્જર, ખાનગીકરણ, ફી વધારા અને પગાર સંબંધિત અન્ય મુદ્દાઓ અંગે સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છીએ. હડતાળના એલાનને ઓલ ઇન્ડિયા રિઝર્વ બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઇઆરબીઇએ) અને ઓલ ઇન્ડિયા રિઝર્વ બેંક વર્કર્સ ફેડરેશન (એઆઇઆરબીડબ્લ્યુએફ) તેમ જ કેટલાક ઇન્શ્યોરન્સ યુનિયનોએ પણ ટેકો આપ્યો છે. ટ્રેડ યુનિયનો ઇન્ટુક, આઇટુક,એચએમએસ, સીટુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, સેવા, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી સાથે વિભિન્ન ક્ષેત્રના સ્વતંત્ર ફેડરેશન્સ અને એસોસિએશન્સે ૮મી જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળ પાડવાની સપ્ટેમ્બર ૨૦૧૯માં જાહેરાત કરી હતી.