નવી દિલ્હી, તા. ૧૭
એક તરફ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના પરમાણુ વાકયુદ્ધે વિશ્વને ડરાવ્યું છે ત્યારે હિમાલયના વિસ્તારોમાં દાવાઓ વચ્ચે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષના સંકેત મળી રહ્યા છે. ભારત નજીક આવેલા ભૂતાનમાં ચીન દ્વારા માર્ગ નિર્માણનું કામ શરૂ કર્યા બાદ ભારત અને ચીનની સેના આમને-સામને આવી ગઇ છે. ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંસદમાં આ અંગે સલાહ આપી છે કે, બંને દેશો સરહદ નજીકથી પોત-પોતાની સેના હટાવી લે પછી તેઓ વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવશે. જોકે, ચીન ડોકલામ વિસ્તારમાં માર્ગ નિર્માણના કામના પોતાના અધિકારને વળગી રહ્યું છે.
જ્યારથી ભારતની સરહદ પર વિવાદ ગોરંભાયો છે ત્યારથી ચીનના અખબારો તથા સેના દ્વારા ઉગ્ર નિવેદનો બહાર આવતા રહે છે. ભારત અને ચીન વચ્ચે આશરે કુલ ૨૨૨૦ કિલોમીટર જેટલી સરહદ છે પરંતુ બંને દેશો તરફથી છેલ્લા ૫૦ વર્ષમાં એક પણ વખત ગોળીબારની પણ ઘટના બની નથી. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, બંને દેશો પરમાણુ સક્ષમ છે અને કોઇપણ દેશ પોતાના હક માટે પાછળ હટવા તૈયાર નથી એવા સમયે ચીન વધુ ઉગ્ર વલણ રાખી રહ્યું છે. આ બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં પહેલીવાર ભૂતાનનો પણ સમાવેશ થયો છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે મંગળવારે બંને દેશોની સેનાઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરના લદાખમાં ઘર્ષણ સર્જાયું હતું જેના પગલે સૈન્ય કર્મીઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.લંડનમાં રોયલ યુનાઇટેડ સર્વિસીસના એનાલિસ્ટ શશાંક જોશીએ કહ્યું છે કે, આ સંઘર્ષને ટાળી શકાય તેમ નથી. છેલ્લા ૩૦ વર્ષના ભારત-ચીન સંબંધોમાં આ સૌથી કપરી પરિસ્થિતિ છે. એશિયાના સૌથી મહત્વના બેદેશો વચ્ચેના વિવાદને કારણે સ્થિતિ વધુ ઘેરી બની જાય છે. એક તરફ દક્ષિણ ચીન મહાસાગરમાં ચીનનો ડોળો છે ત્યારે ભારત રાજદ્વારી વાટઘાટોથી પોતાની સરહદો પર સર્જયેલા વિવાદને ઉકેલવા માગે છે.