(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ભારતને ર૦રર સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવા ઉપર ભાર મૂકતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતે દયાળુ અને સમતાવાદી સમાજ બનવું જોઈએ જેમાં કોઈપણ વ્યક્તિ સાથે ધર્મ અને જાતિના આધારે ભેદભાવ કરવો ના જોઈએ. એમણે ૭૧માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સરકારના નોટબંધીના નિર્ણયના વખાણો કર્યા હતા અને જણાવ્યું કે લોકોએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં નાથવા સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. લોકોએ સ્વૈચ્છિક રીતે એલપીજી ગેસની સબસિડી છોડી હતી અને જીએસટીને લાગુ કરવાના પગલાંઓ આવકાર્યા હતા. એમણે ગાંધી-નહેરૂ સાથે જનસંઘના નેતાઓ દીનદયાલ ઉપાધ્યાયના પણ વખાણો કર્યા હતા. એમણે કહ્યું કે એમના માનવીય ગુણો આપણા ડીએનએમાં સમાવિષ્ટ છે જેથી અમારો દેશ અને સંસ્કૃતિ ટકી રહી છે.