(એજન્સી) મ્યાનમાર, તા.૬
ભારતે જણાવ્યું હતું કે, મ્યાનમારના રાખીને રાજ્યમાં થઈ રહેલ ત્રાસવાદી હિંસાથી એ ચિંતિત છે. જેના લીધે ૧,રપ,૦૦૦ રોહિંગ્યાઓ મ્યાનમાર છોડી બાંગ્લાદેશ ભાગી ગયા છે. વડાપ્રધાન મોદીએ બધા જ હિત ધરાવતા દેશો અને સંગઠનોને વિનંતી કરી છે કે આ બાબતે કોઈ ઉકેલ શોધવામાં આવે જેથી મ્યાનમારમાં શાંતિ અને એકતા જળવાઈ રહે. મ્યાનમારની મુલાકાત દરમિયાન મોદીએ દેશના કાઉન્સિલર આંગ સાન સૂ કી સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું કે બન્ને દેશોમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે એ અગત્યની બાબત છે. બન્ને નેતાઓએ ત્રાસવાદ સામે પગલાં લેવા જણાવ્યું હતું અને સુરક્ષા સહયોગ વધારવાની વાત કરી હતી. મોદીની મ્યાનમારની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. એ મુલાકાત એ સમયે થઈ રહી છે જ્યારે સૂ કી સમગ્ર દુનિયામાં રોષનો સામનો કરી રહી છે. સરકારની બેદરકારીના લીધે ૧,રપ,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમો છેલ્લા બે અઠવાડિયામાં જ બાંગ્લાદેશ ભાગી જવા મજબૂર બન્યા છે. મ્યાનમારની સેનાએ રાખીને રાજ્ય ઉપર હુમલા કરતાં આ ઘટના બની છે. બન્ને નેતાઓએ વાતચીત પછી પત્રકાર પરિષદ સંબોધી હતી. મોદીએ કહ્યું ભારત મ્યાનમારની પરિસ્થિતિ સમજે છે અને મુશ્કેલીના સમયમાં મ્યાનમારને બધા જ પ્રકારની સહાય કરશે. આ પહેલાં ગૃહરાજ્યમંત્રી કિરન રિજીજુએ જણાવ્યું હતું કે, રોહિંગ્યાઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. એમને ભારતમાંથી પાછા મોકલવામાં આવશે. એમણે કહ્યું કે, શરણાર્થીઓને શરણ આપવા મુદ્દે કોઈપણ દેશે ભારત સામે પ્રશ્ન નહીં કરવો જોઈએ કારણ કે દુનિયામાં સૌથી વધુ શરણાર્થીઓને સાચવવા માટે ભારત અગ્રેસર રહ્યું છે. મોદી અને સૂ કીની મુલાકાત પછી બન્ને દેશો વચ્ચે ૧૧ કરારો કરવામાં આવ્યા હતા. આ કરારો દરિયાઈ સુરક્ષા, મ્યાનમારમાં લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવું, સ્વાસ્થ્ય અને માહિતી ટેકનોલોજી વિષેના હતા. મોદીએ બન્ને દેશો વચ્ચે સુરક્ષા સહયોગ ઉપર ભાર મૂકયો હતો કારણ કે બન્ને દેશો સુરક્ષા બાબતે સરખી રીતે ચિંતિત છે. ત્રાસવાદ મુદ્દે સૂ કીએ જણાવ્યું કે, અમે સાથે મળીને ત્રાસવાદ સામે લડીશું જેથી અમારી ભૂમિ ઉપરથી અથવા ભારતની ભૂમિ ઉપરથી ત્રાસવાદી પ્રવૃત્તિઓને અટકાવી શકાય. સૂ કીએ ત્રાસવાદ ડામવા માટે સહયોગ આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો. ગયા મહિને રોહિંગ્યા ત્રાસવાદીઓએ રાખીનેમાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. જેમાં ૧ર સુરક્ષા સૈનિકોના મોત થયા હતા. સૂ કીએ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. એર્દોગને કહ્યું હતું કે, મ્યાનમારમાં રોહિંગ્યા સાથે જેના લીધે થઈ રહ્યો છે એ માટે ખોટી માહિતીઓ આપવામાં આવે છે જેના લીધે સમગ્ર દુનિયાનો રોષ સૂ કી બની છે. એર્દોગને જણાવ્યુું કે એમના વિશે ખોટી માહિતી આપી દુનિયામાં વિવિધ કોમો વચ્ચે ગણતરીપૂર્વક પ્રશ્નો ઊભા કરાઈ રહ્યા છે. જેનો ઉદ્દેશ્ય ત્રાસવાદીઓના હિતોને પ્રોત્સાહન આપવાનો છે. રોહિંગ્યાઓ સામે થતી હિંસામાં સૂ કી નિષ્ફળ રહી છે જે પોતાને માનવ અધિકારોની પ્રણેતા ગણાવે છે. રોહિંગ્યા ત્રાસવાદીઓના હુમલાઓના લીધે સેંકડો લોકોના મોત થયા છે. યુએન સેક્રેટરી જનરલ ગટર્સે પણ કહ્યું છે કે રાખિનેમાં રહેતા મુસ્લિમોને રાષ્ટ્રની નાગરિકતા આપવામાં આવે અથવા કાયદેસર રહેવાનો અધિકાર આપવામાં આવે. એમણે રાખિનેમાં થતી હિંસા બાબતે ચિંતા વ્યકત કરી હતી જેના લીધે ૧,રપ,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે.