અમદાવાદ, તા.૧૮
કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે ઈન્જેકટટેબલ પોલિયો વેકસીનનું વીવીએમ સ્ટેટસ એકસપાયર થયેલ હોવા છતાં ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારના પત્રકાર પરિષદમાં આપેલા નિવેદન મામલે ખુલાસો કરતાં રાજ્ય સરકારે રદિયો આપતાં જણાવ્યું છે કે ભારત સરકાર તરફથી કયારેય ઉપયોગમાં ન લેવાય તેવી વેકસીન પૂરી પાડવામાં આવતી નથી. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં કોલ્ડ ચેઈનની જાળવણી એ ખૂબ અગત્યનો ભાગ છે. સમગ્ર રાજ્યમાં કુલ ૧૯૩૦ કોલ્ડ ચેઈન પોઈન્ટ કાર્યરત છે. જેમાં પીએચસી, સીએચસી, યુપીએચસી, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોનો સમાવેશ થાય છે. ઉપરોકત તમામ કોલ્ડ ચેઈન પોઈન્ટ ખાતે ભારત સરકાર તરફથી ગુણવત્તાયુક્ત વેકસીન મળે છે અને તે તમામ વેકસીન રથી ૮ સે. તાપમાન વચ્ચે સલામત રીતે સતત મોનિટરીંગ દ્વારા જાળવવામાં આવે છે. ભારત સરકાર તરફથી કયારેય ઉપયોગમાં ન લેવાય તેવી વેકસીન પૂરી પાડવામાં આવતી નથી અને ઉપયોગમાં લઈ શકાય તેવી જ વેકસીન પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં વાપરવા યોગ્ય ન હોય તેવા વેકસીનનો કોઈપણ જગ્યાએ ઉપયોગ થતો નથી. તમામ લાભાર્થીઓને ગુણવત્તાસભર અને વાપરવા પાત્ર વેકસીન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.