(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
આણંદ લોકસભા મત વિસ્તારનાં કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આજે આણંદ શહેરમાં વકીલો સાથે સંવાદ કરી કોંગ્રેસની વિચારધારા અને યુપીએ સરકારે કરેલા વિકાસનાં કામો અંગે માહિતી આપી હતી, સંવાદ બાદ વકીલોએ પણ કોંગ્રેસનાં ઉમેદવાર ભરતસિંહ સાથે હકારાત્મક સંવાદ કર્યો હતો.
આણંદ ખાતે વકીલો સાથે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસએ કેન્દ્રમાં સત્તા દરમિયાન ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજા માટે કરેલા વિકાસનાં કામો અંગે તેમજ તેઓએ ત્રણ વાર કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આણંદ લોકસભા મત વિસ્તાર માટે કરેલા વિવિધ વિકાસના કામો તેમજ કોંગ્રેસની જનહીતની યોજનાઓ અંગે માહિતી આપી હતી, તેમજ કોંગ્રેસ દેશની એકતા અને અખંડીતતા તેમજ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપતી પાર્ટી હોવાનું જણાવ્યું હતું.
આ સંવાદ બેઠકમાં ઉપસ્થિત વકીલોએ પણ કોંગ્રેસની જનહીતની યોજનાઓને બિરદાવી હતી અને આજે જ્યારે ભાજપ દેશમાં કોમ- કોમ વચ્ચે જ્ઞાતી-જ્ઞાતી વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે, ત્યારે કોંગ્રેસએ દેશની એકતા અને અખંડીતતા માટે આપેલા બલિદાનને દેશ કયારેય ભૂલી શકશે નહીં તેમજ કોંગ્રેસની સર્વધર્મ સમભાવની નીતિ દેશને એક રાખવાનું કામ રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારે દેશની એકતા અખંડીતતા માટે વકીલો પણ કામ કરશે તેમ જણાવી ભરતસિંહ સોંલકી પ્રત્યે હકારાત્મક વલણ દાખવશે તેમ જણાવ્યું હતું.