(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી (ર.અ.) (અજમેર) અંગે હિન પ્રકારની ફેસબુક પોસ્ટ ફોરવર્ડ કરનાર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત ઠાકોરને હાંકી કાઢવા માટે શહેરના મુસ્લિમ અગ્રણીઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમજ વિરોધ પક્ષનાં નેતા સમક્ષ માંગ કરી છે.
ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકી સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરનાર તત્ત્વો સામે કાયદાકીય જોગવાઇ કરવામાં આવી છે. આમ છતાં કેટલાક નપાવટ લોકો ધાર્મિક ઉશ્કેરણી કરી અશાંતિ ફેલાવવા સતત પ્રયત્ન કરતાં હોય છે. પરંતુ ધાર્મિક વૈમનસ્ય ઊભું કરવાનાં બદઇરાદામાં શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ જેવો મહત્ત્વનો હોદ્દો ધરાવનાર હલકી માનસિકતા છતી કરે ત્યારે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચ્યા વગર રહેતી નથી.
આવી એક પોસ્ટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત ઠાકોરના નામે ફેસબુક પર ઉપર ફરતી થઇ છે. જેમાં અજમેરના વિશ્વ પ્રસિદ્ધ સંત, હિન્દુ મુસ્લિમ સર્વ ધર્મના આસ્થાના કેન્દ્ર સમાન ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (ખ્વાજા ગરીબ નવાઝ) માટે અત્યંત હલકા પ્રકારનાં શબ્દ પ્રયોગ સાથે પોસ્ટ મૂકવામાં આવી છે. સદીઓથી આ મહાન સંત ખ્વાજા ગરીબ નવાઝ માટે ક્યારેય કોઇ ધર્મનાં વ્યકિતએ હલકા ઉચ્ચારણો કર્યા નથી. ઇતિહાસ તેનો સાક્ષી છે.
પરંતુ શહેર કોંગ્રેસમાં મહત્ત્વનો હોદ્દો ધરાવનાર ઉપપ્રમુખ ભરત ઠાકોર દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ માટે જે હલકી કક્ષાનાં શબ્દ પ્રયોગ (અહીં આ શબ્દો લખી શકાય તેમ નથી) કરવા આવ્યો હોવાથી હિન્દુ, મુસ્લિમ સૌ ધર્મના લોકોની લાગણી દુભાવા પામી છે. ખ્વાજા ગરીબ નવાઝમાં શ્રધ્ધા ધરાવનાર લાખો શ્રધ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે. શ્રધ્ધાળુઓ આ પોસ્ટ અંગે પોલીસને પણ ફરિયાદ કરનાર છે. ફેસબુક એપ ઉપર પોસ્ટ મુકનાર અને તેને ફોરવર્ડ કરનારા તમામ સામે કાયદાકીય પગલા ભરવા માંગ કરવામાં આવી છે. પોલીસ આની નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ.
શહેરના મુસ્લિમ અગ્રણીઓ પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગનાં વાઇસ ચેરમેન ચિરાગ શેખ, શહેર કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન જુનેદ શેખ, સૈયદ અયુબ દાઢી, ફારૂક મલેક, શાકીર હકીમ વગેરેએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા તથા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધનાણીને આ પોસ્ટ ફોરવર્ડ કરનાર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત ઠાકોરને હાંકી કાઢવા માંગણી કરી જાણ કરી છે.
શહેર કોંગ્રેસના મહત્વના હોદ્દા ઉપર રહી એક મહાન સંત માટે હલકા શબ્દોની પોસ્ટને ફોરવર્ડ કરવાનું કૃત્ય તેમની માનસિકતા છતી કરે છે. લાખો લોકોની શ્રધ્ધાને ઠેસ પહોંચાડનાર તત્વો સામે ફોજદારી પગલા ભરવા માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પ્રદેશ પ્રમુખ ભરત ઠાકોર સામે શું પગલા ભરે છે. એ અંગે અગ્રણીઓ રાહ જોઇ રહ્યાં છે. જો પગલા ભરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચિમકી પણ અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. દરમિયાન આ પોસ્ટને વોટસએપના સંચાલકો ડીલીટ કરે તેવી પણ અગ્રણીઓ માંગણી કરી છે જેથી પોસ્ટ વધુ વાયરલ ન થાય. લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને કોમી એખાલસતા કાયમ રહે તેવી માંગ અગ્રણીઓએ કરી છે.