(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
કોંગ્રેસની ડૂબતી નાવમાંથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે મધદરિયે ડૂબકી માર્યા બાદ વધુ એક ધારાસભ્ય ડૂબકી મારી કિનારે પહોંચવા હવાતિયાં મારી રહ્યા છે. કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળતા રાજકારણ ગરમાયું છે. ભરત ઠાકોરે ભાજપના સાંસદ જુગલજી ઠાકોરના ફાર્મહાઉસમાં જઈ કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી હતી. જો કે, ભરત ઠાકોરે હું ભાજપમાં જોડાવાનો એવો જૂનો રાગ આલાપ્યો હતો.
ભરત ઠાકોરની કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથેની મુલાકાતોથી ઘણી અટકળો શરૂ થઇ છે. લોકોમાં ચર્ચા છે કે અલ્પેશ ઠાકોરની જેમ જ ભરત ઠાકોર પણ ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે આ મુલાકાતમાં ભરતજી ઠાકોર કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાતમાં ઘણાં જ ખુશ દેખાઇ રહ્યાં હતાં. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહેસાણાની ઓએનજીસીની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે હું મળવા ગયો હતો. મેં એમને જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં એટલે બહુચરાજીમાં ઓએનજીસીનાં ઘણાં પોઇન્ટ આવેલા છે. તેથી હું ત્યાંના પ્રાણ પ્રશ્નો લઇને ગયો હતો. આ ઉપરાંત યુવાનોની જમીન માટે, ખેડૂતોને જે વળતર નથી ચૂકવાયું તે અંગે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવા માટે ગયો હતો. બાકી જે પણ અટકળો ચાલે છે કે હું ભાજપમાં જોડાવવાનો છું તે એકદમ વાહિયાત છે. તેમાં કોઇ જ તથ્ય નથી. આ પહેલા પણ હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે પણ સમાજનાં લોકોની બેઠક માટે અમે જુગલજીના ફાર્મ હાઉસમાં જતાં હતાં. હું મારા લોકોનાં પ્રશ્નોનાં ઉકેલ મળે તે માટે જ ત્યાં ગયો હતો. મહત્વનું છે કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહેસાણા ખાતેનાં ઓએનજીસી યુનિટની મુલાકાત લેશે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ મુલાકાત ગુજરાત પેટ્રોલ અને ગેસ ક્ષેત્ર માટે મહત્વની છે. આ વર્ષે પેટ્રોલ અને ગેસનું ઉત્પાદન વધારવાનો અમારો લક્ષ્યાંક છે.’ અલ્પેશ ઠાકોરે જ્યારે ભાજપમાં જોડાવવાની અટકળો તેજ હતી તે સમયે ભરત ઠાકેરે ઘણાં નિવેદન આપ્ચાં હતાં. તેમણે કહ્યું હતું કે, ‘અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની કેટલીક જવાબદારીમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે કોઈ પગલાં લીધા નથી અને લેવાના પણ નથી. હું અલ્પેશ ઠાકોરના નજીક છું, અલ્પેશ ઠાકોર મારા રાજકીય ગુરુ છે. હું ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર સાથે જ છું. હું મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. હું કોંગ્રેસમાં જ રહીશ.’