(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૦
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દઈ કોંગ્રેસપક્ષ માટે જે ભાષાનો ઉપયોગ કર્યા અને વ્યથા ઠાલવી તેને લઈ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, અલ્પેશે સોશિયલ મીડીયના માધ્યમથી રાજીનામુ આપ્યું છે અમને કોઈ કોપી મળી નથી લેખિતમાં રાજીનામુ આપશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને તમામ સન્માન આપ્યા તેમને બિહારના સદપ્રભારી બનાવ્યા દરેક ચૂંટણીના કન્વીનર બનાવ્યા અલ્પેશ અને તેમના સહયોગીઓને અનેક પદ આપ્યા તેમ છતાં ઠાકોર સમાજ અને અલ્પેશના નિર્ણયથી ખૂબ દુઃખ થયું. તેમણે જે ભાષા વાપરી તેનાથી દુઃખ થયું છે. પક્ષને મજબૂત કરવાની વાત હોય ત્યારે વ્યક્તિગત મહત્વાકાંક્ષા બાજુ પર મુકી પક્ષની વાત સ્વીકારવી જોઈએ. પક્ષના નિર્ણયને આપણે સ્વીકારવો જોઈએ. વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કોંગ્રેસમાં આવ્યો ત્યારે ટિકિટ માટે આવી રીતે શબ્દો વાપરવા દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રમુખે વધુમાં જણાવ્યું કે, પક્ષમાં કાર્યકરોએ પક્ષની વિચારધારાને સ્વીકારવા પડે. આપણે કહીએ તે થાય તેવું ક્યારેય શક્ય ન બને. રાહુલ ગાંધીએ તેમને ખૂબ મહત્વ આપ્યું, ચર્ચા વિચારણા કરી છે અનેક એવા કાર્યકરો છે. જેમને સંગઠનમાં હોદ્દો મળ્યો કે ન મળ્યો છતાં સેવા કરી રહ્યા છે.