પાટણ, તા. ૩
ખેરાલુના ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય સચિવ ભરતસિંહ ડાભીએ આજે ૩-પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર રજૂ કરી, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ભાજપા અગ્રણી નંદાજી ઠાકોરે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. આ પૂર્વે એમ.એન. હાઇસ્કૂલ નજીક એક જાહેરસભા યોજાઈ હતી. ત્યારબાદ કનસડા દરવાજાથી કલેક્ટર કચેરી સુધી રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો જોડાયા હતા.
બપોરના બરાબર ૧ર-૩૯ કલાકના વિજય મુહૂર્તમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, કેન્દ્રીય મંત્રી હરી પટેલ, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, પાટણના સંગઠન પ્રભારી મયંક નાયક, પૂર્વમંત્રી શંકર ચૌધરી, જીલ્લા ભાજપ પ્રમુખ મોહન પટેલ, પૂર્વધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય હિતુ કનોડિયા વગેરેની ઉપસ્થિતિમાં ભાજપાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ સમક્ષ ઉમેદવારીપત્ર રજૂ કરી સોગંધ લીધા હતા. ઉમેદવારીપત્રની સાથે પક્ષનું મેન્ડેટ રજૂ કરવામાં નહીં આવતા ચૂંટણી અધિકારીએ મેન્ડેટ રજૂ કરવા જણાવતા પાછળથી મેન્ડેટ રજૂ કરાયું હતું. જ્યારે ભરતસિંહ ડાભીના ડમી તરીકે ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી.