અમદાવાદ,તા.૨૮
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના બનાવટી રાજીનામું સોશ્યલ મીડિયામાં ફરતું કરવાના પ્રકરણમાં કોંગ્રેસપક્ષ તરફથી આજે શહેરના એલિસબ્રીજ પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એલિસબ્રીજ પોલીસે આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સહી સાથે કોંગ્રેસના ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં ફરતી કરવાના પ્રકરણમાં કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતના પ્રમુખ બાલુભાઇ પટેલે એડવોકેટ નિકુંજ બલ્લર મારફતે રાજય ચૂંટણી પંચ અને શહેર પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી હતી. જે પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચના સાયબર સેલને તપાસ સોંપવામાં આવી છે. ત્યાં હજુ ત્રણ-ચાર દિવસ પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું બનાવટી રાજીનામુ કોંગ્રેસના લેટરહેડ પર લખી સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયું હતુ,જેને લઇ ચૂંટણીના માહોલમાં ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું હતું. જો કે, સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ આજે શહેર કોંગ્રેસ સમિતના ઉપપ્રમુખ દલસુખભાઇ પટેલે એલિસબ્રીજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોંગ્રેસને બદનામ કરવાના ઇરાદાથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું રાજીનામું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બનાવટી લેટરહેડ પર બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયું છે. જે નકલી રાજીનામું વાયરલ કરાયું હતું, તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખાયું હતું અને સાત ફકરાના અંતે ભરતસિંહ સોલંકીની ખોટી સહી પણ કરાયેલી હતી. રાજીનામાના પત્રના અંતમાં આ રાજીનામાની નકલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય નેતા એહમદ પટેલને પણ રવાના કરાઇ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ખૂબ જ ગંભીર બાબત હોઇ કોંગ્રેસ તરફથી કોંગ્રેસના લેટરહેડનો દૂરપયોગ અને સોશ્યલ મીડિયામાં કોંગ્રેસની બદનામી કરવાના કાવતરાનો પર્દાફાશ કરી આ પ્રકરણમાં સંડોવાયેલા ગુનેગારોને તાત્કાલિક પકડી સખત સજા કરવા માંગણી કરવામાં આવી છે. એલિસબ્રીજ પોલીસે કોંગ્રેસની આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભરતસિંહનું બોગસ રાજીનામું વાયરલ કેસમાં ફરિયાદ નોંધાઈ

Recent Comments