(એજન્સી) તા.૧૫
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્‌સ યુનિયન (દુસુ)ની ચૂંટણીમાં આરએસએસ સંલગ્ન જમણેરી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ટોચના ચાર પદમાંથી ત્રણ પદ કબજે કર્યા છે. એબીવીપીના પ્રમુખ, ઉપપ્રમુખ અને સંયુક્ત સચિવના પદ માટે વિજય થયો છે. અંક્યુ બાયસોયા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા જ્યારે શક્તિસિંહ ઉપપ્રમુખ તરીકે. જ્યોતિ ચૌધરી સંયુક્ત સચિવ તરીકે ચૂંટાયા હતા. જ્યારે કોંગ્રેસ સંલગ્ન નેશનલ સ્ટુડન્ટ્‌સ ઓફ ઇન્ડિયાના (એનએસયુઆઇ) અશોક ચૌધરી સચિવના પદે વિજયી થયા હતા. સીવાયએસએસ અને એઆઇએસએ વચ્ચે થયેલા ગઠબંધનને એક પણ બેઠક પ્રાપ્ત થઇ નથી.
મત ગણતરી વિવાદાસ્પદ રહી હતી. એનએસયુઆઇએ એવા આક્ષેપ કર્યા છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) સાથે ચેડાં કરવામાં ંઆવ્યા છે જેના પગલે પ્રકિયા દરમિયાન હિંસા થઇ હતી. એનએસયુઆઇએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમની હાર એ એક સઘન સાઝીશના પરિણામરુપ છે. ૧૩ સપ્ટે. ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે મત ગણતરી શરુ થઇ હતી અને ઇવીએમ મશીનમાં ટેકનિકલ મુદ્દાને કારણે અવારનવાર અટકી જતા હતા.
પરિણામે મત ગણતરી સવારે એક કલાક સ્થગિત કરી દેવાઇ હતી કારણ કે એક ઇવીએમનો ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે કામ કરતો નથી. રિપોર્ટ અનુસાર છ ઇવીએમમાં ગરબડ જોવા મળી હતી જેના પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇએ ભારે હોબાળો મચાવ્યો હતો. વાસ્તવમાં સચિવની પોસ્ટની મત ગણતરી દરમિયાન ૧૦ નંબરના બુથ પર જે મતદાન કરવામાં આવ્યું હતું તેને લઇને વિવાદ શરૂ થયો હતો.
સચિવની પોસ્ટ પર એક ઇવીએમમાં ૧૦ નંબરના બટન પર ૪૦ વોટ નોંધાયેલા હતા જ્યારે મશીનમાં નોટા સહિત માત્ર છ જ બટન હતા જેના કારણે વિવાદ વધી ગયો હતો. ત્યારબાદ એનએસયુઆઇએ ગેરરીતિનો આક્ષેપ કરીને દેખાવો કર્યા હતા. કેટલાક દેખાવકારોએ મત ગણતરી મથકોના કાચ પણ તોડી નાખ્યા હતા. તણાવ વધતો જોઇને પોલીસદળો વધારી દેવાયા હતા. બંને સંગઠનોના વિદ્યાર્થીઓ દ્વારા હિંસાચાર વચ્ચે મત ગણતરી સ્થગિત કરીને સાંજે ૫.૩૦ પછી ફરીથી શરુ થઇ હતી. દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત મત ગણતરી સ્થગિત કરવામાં આવી હતી. એનએસયુઆઇના રાષ્ટ્રીય સંયોજક નારાઇબ નેયાઝીએ જણાવ્યું હતું કે ૧૨૬માંથી ૭ બેલોટ પર અમને વોટ મળ્યા નથી. અમને આ વોટ ગણતરીમાં લેવામાં આવે એવી માગણી કરી હતી.