(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
બરોડા ક્રિકેટ એસોસીએશનનાં વિવિધ હોદ્દા માટે ૬ વર્ષ બાદ આજે ચુંટણી યોજાઇ હતી. જેમાં ૬૮.૫૦ ટકા મતદાન થયું હતું. હાલમાં મત ગણતરી ચાલું હોય મોડીરાત સુધીમાં પરિણામ જાહેર થશે. મતદાન સમયે રીવાઇવલ ગ્રુપ દ્વારા એલેમ્બીક કંપનીનાં યેરા શોપીંગ મોલની ૩૦ ટકા ડિસ્કાઉન્ટની કુપન આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચી ગયો હતો. આ કુપનો જપ્ત કરવામાં આવી હતી. આ બનાવમાં એક વ્યકિતની અટકાયત કરવામાં આવી હતી. બી.સી.એ.ની ચુંટણીમાં ૩૧ પદ માટે ૭૩ ઉમેદવારો છે. હાલમાં મત ગણતરી ચાલી રહી છે અને મોડીરાત સુધીમાં પરિણામો આવી જશે.
બરોડા ક્રિકેટ એસોસીએશનની ચુંટણીમાં અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોગીયા, અતુલ બેદાડે સહિતનાં પૂર્વ ક્રિકેટરોએ મતદાન કર્યું હતું.
જયોતિ ગાર્ડન પાસે રામબાગ ગાર્ડન સંકુલમાં આજે યોજાયેલી ચુંટણીને પગલે સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંકુલમાં ફકત બી.સી.એ.ના સભ્યોને પ્રવેશ આપવામાં આવતો હતો. પ્રણવ અમીનની આગેવાની રીવાઇવલ જુથ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને સંજય પટેલની આગેવાનીમાં રોયલ જુથનાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ૩૧ પદ માટે ૭૩ ઉમેદવારો મેદાનમાં હતા. ૨૧૭૨ પૈકી ૨૩૦ સભ્યોને બાયોમેટ્રીક કાર્ડ મળ્યા ન હોવાથી આવા સભ્યોએ આઇ-ડીની મદદથી મતદાન કર્યું હતું.