(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
શહેરના વેસુ સ્થિત એસ.ડી. જૈન સ્કૂલ આંદોલન કરનાર પેરેન્ટસ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર સુરાનાના પુત્રને સ્કૂલમાંથી હાંકી કાઢી એલસી પકડાવી દેતા આજે સવારે વાલીઓ સ્કૂલ ઉપર ધસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે શાળા સંચાલકોએ શાળાનો મુખ્ય દરવાજા બંધ કરી દઈ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. વાલીઓના ઉગ્ર દેખાવને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ફી સહિત અન્ય મુદ્દે એસ.ડી. જૈન સ્કૂલની સામે વાલીએઓ આંદોલન છોડયું હતું. આ આંદોલનની નેતાગીરી કરવાનું જિતેન્દ્ર સુરાનાને ભારે પડ્‌યું હતું. શાળા સંચાલકોએ પેરેન્ટસ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર સુરાના પુત્રને એલ.સી. પકડાવી દીધું હતું. આ ઘટનાને પગલે વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો અને આજે સવારે સ્કૂલ ઉપર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રિત થયા હતા અને ભારે હોબાળો મચાવી દેખાવો કર્યો હતો. જેને પગલે પોલીસે દોડી આવી હતી અને વાલીઓના ટોળાને વિખેરી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો.