અમદાવાદ, તા.૧૩
ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. મોનસુનની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. આજે દાહોદ, વલસાડ, નવસારી સહિતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દાહોદમાં સાત ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાઈ જતાં લોકો અટવાયા હતા. વાહનો બંધ પડી ગયા હતા. જનજીવન મોટાભાગે અટવાઈ પડ્યું હતું. આજે નવસારીના ખેરગામમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. નવસારી ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતના શામળાજી, માલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદ વચ્ચે ગલતેશ્વરથી વડોદરા જિલ્લાનો સંપર્ક તુટી ગયો હતો. વ્યારા, માંડવી, પલસાણામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ પણ હવે બે કાંઠે થઇ છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અને દાહોદ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આવતીકાલે પણ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલના દાહોદમાં આજે માત્ર ત્રણથી ચાર કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જાણે જળતરબોળ બની ગયો હતો અને સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. દાહોદમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી. તો, નાળા-તળાવો અને ડેમ છલકાયા હતા. ખાસ કરીને દાહોદ, ભીલવાડા, ઝાલોદ, લક્ષ્મી પાર્ક, મંદાર ચોકડી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ ઓવરફલોની નજીક પહોંચતાં તંત્ર એલર્ટ પર આવી ગયુ હતુ. તો કડાણા ડેમમાંથી સાત લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અતિ ભારે વરસાદને લઇ આજે દાહોદમાં જળબંબાકારની સ્થિતિને લઇ સ્થાનિક ગ્રામજનોની હાલત કફોડી બની હતી. જ્યારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી મેઘરાજાએ જોરદાર જમાવટી કરી છે અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ખુબ વરસાદ પડી રહ્યો છે. ઓઝત બે કાંઠે વહી રહી છે. ઓઝતના પૂરના પાણી ઘેડ પંથકમાં ફરી વળતાં તેના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ગયું છે. ઘેડનાં લોકો જાણે બેઘર થઇ ગયાં છે. પુરની સ્થિતિ ઓસરતાં ઘેડની વાસ્તવિક સ્થિતિ સામે આવી હતી., આજે પણ ઘેડનાં અનેક ગામડાઓનાં જવાનાં રસ્તે પાણી ભરેલા છે. એટલું જ નહીં ઘેડનાં ગામડાઓમાં ગોઠણ-ગોઠણ સુધી પાણી છે. ઓઝત, ઉબેણ, મધુવંતી, સાબલી નદીના પાણીએ જાણે સમગ્ર ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યું હતું. તો કેશોદ, માણાવદર, માંગરોળના ૨૪ જેટલા ગામોમાં પૂરની સ્થિતિ બની છે. પૂરને લઇ કેશોદ, માંગરોળ અને માણાવદરનાં અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ છે.