તા.૧૦
છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયકલોનિક સરકયુલેશન સીસ્ટમ કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. એમ હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકમાં રાજયની વરસાદી સ્થિતિનું અવલોકન કરતા જયંત સરકારે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ દરમ્યાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શકયતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે. રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર. કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ ૧પ ટીમને એલર્ટ કરાઈ છે જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે-૧-૧ જયારે ગાંધીનગર ખાતે ૦૩ અને વડોદરામાં ૦૬ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. રાજયમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ ૧૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં ૧૧ને સહાય ચુકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે તેમ રાહત નિયામક એ ઉમેર્યું હતું. આ બેઠકમાં માર્ગ મકાન, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ વીજ કંપનીઓ વાહન વ્યવહાર, કૃષિ સિંચાઈ, આરોગ્ય ઉપરાંત હવાઈ દળ, એનડીઆરએફ અને પોલીસ દળ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગની સજ્જતા વિશે માહિતી આપી હતી. એસઈઓસી નાયબ કલેકટર એમ.એ. સૈયદ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી સુચનો કર્યા હતા.