(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
ગુજરાતમાં મોડે મોડે શરૂ થયેલો વરસાદ જુલાઈના અંતથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસી ગયા બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. હવે હવામાન શાસ્ત્રીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે હાલની સ્થિતિ જોતા હવે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે અને ચોમાસુ વહેલું વિદાય લે તેવી શક્યતા છે.
ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં ઓગષ્ટમાં મુશળધાર વરસાદ થયા બાદ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં મેઘવિરામ છે. જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદ આવે તેવા કોઇ એંધાણ નથી. ભુતકાળમાં નોરતા સુધી વરસાદ ચાલુ રહયાના દાખલા છે પરંતુ અત્યારની સ્થિતિએ ચોમાસાએ વિદાય લેવાનું નક્કી કર્યું હોય તેવું હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે. પાછોતરો ભારે વરસાદ થવાની સંભાવના એકદમ ઓછી દેખાય છે. વરસાદની કોઇ સીસ્ટમ અત્યારે દેખાતી નથી તેથી હાલના સંજોગો મુજબ તહેવારો દરમ્યાન કે તહેવારો પછી છુટો છવાયો વરસાદ પડે અને સપ્ટેમ્બરના પ્રારંભથી ચોમાસુ વિદાય લઇ લે તેવી પ્રબળ સંભાવના છે. જો કે આ આગાહી અત્યારના વાતાવરણ મુજબની છે પરંતુ કુદરતી રીતે વાતાવરણ ગમે ત્યારે પલ્ટાઇ શકે છે.
જુલાઇના અંત અને ઓગષ્ટમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થઇ જતા ગયા વર્ષે આ સમયગાળામાં ૭૬ ટકા વરસાદ હતો આ વખતે આજની સ્થિતિએ ૮૯ ટકા જેટલો સરેરાશ વરસાદ થઇ ગયો છે. હજુ તેમા સામાન્ય ઉમેરાની શકયતા છે. ભુતકાળમાં નોરતામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હોય તેવુ બન્યું છે. અત્યારે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં ભાદરવા જેવો તડકો છે. આવતા દિવસોમાં વરસાદ પડવાના આશાભર્યા અનુમાનો થાય છે પરંતુ આજની સ્થિતિએ હવામાન નિષ્ણાંતો ભારે વરસાદની સંભાવનાને સમર્થન આપતા નથી. ખેતી માટે હજુ અઠવાડીયા પછી એક સારા વરસાદની જરૂરીયાત જણાઇ છે. વાતાવરણ બદલાઇ તો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેટલો વરસાદ થઇ શકે છે. ચોમાસાએ હવે વિદાયનો રસ્તો પકડયાનું હવામાન શાસ્ત્રીઓનું તારણ છે. હવે પછી છુટો છવાયો હળવો ભારે વરસાદ થઇ શકે છે પરંતુ સાર્વત્રીક ભારે વરસાદનો માહોલ કયાંય દુર સુધી નજરે પેડતો નથી. આજે સવારથી બપોર સુધીમાં નવસારીના ખગ્રામમાં દોઢ ઇંચ તથા દક્ષિણ ગુજરાતના વ્યારા અને વઘઇમાં એક-એક ઇંચ વરસાદ થયો છે. વંથલી, જુનાગઢ, તળાજા, સુરતના પલસાણા, છોટા ઉદેપુર, નવસારીના વાસંદા, વગરેમાં હળવા ઝાપટા પડયા છે.