(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ત્રણ તલાક બિલ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગુરૂવારે લોકસભામાં પાસ થઇ ગયું છે. મતદાન દરમિયાન બિલની તરફેણમાં ૩૦૩ મત જ્યારે તેની વિરૂદ્ધમાં ૮૨ મત પડ્યા હતા. નોંધનીય છે કે, વોટિંગ પહેલા સંસદમાંથી જેડીયુ, ટીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ અને ટીએમસીના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા. જેડીયુ, ટીએમસી મતદાનથી અલગ રહ્યા હતા. જ્યારે બીજેડીએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. ટીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ બિલની વિરૂદ્ધમાં રહ્યા હતા. અગાઉ બિલ પર હાથ ધરવામાં આવેલી ચર્ચા દરમિયાન લેંગિક ન્યાયને નરેન્દ્ર મોદી સરકારનું મૂળ તત્વ ગણાવીને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ત્રણ તલાક પર પ્રતિબંધ લાદવા સાથે સંબંધિત બિલ રાજકારણ, ધર્મ, સંપ્રદાયનો પ્રશ્ન નથી પરંતુ આ નારી સમ્માન અને નારી ન્યાયનો પ્રશ્ન છે અને હિન્દુસ્તાનની દીકરીઓના અધિકારોની સુરક્ષા સંબંધિત આ પહેલનું બધાએ સમર્થન કરવું જોઇએ.
જ્યારે એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે બિલમાં તમે કહી રહ્યા છો કે જો કોઇ પતિ તેની પત્નીને ત્રણ વાર તલાક કહી દે તો લગ્ન તૂટતું નથી, સુપ્રીમકોર્ટનો ચુકાદો પણ એવું જ કહે છે પછી તમે આ શા માટે કરી રહ્યા છો. તેમણે કહ્યું કે આ બિલ મહિલાઓની વિરૂદ્ધનું છે. પતિને ૩ વર્ષની સજા થઇ જાય ત્યારે પતિ જેલમાં રહે તો મહિલા ૩ વર્ષ સુધી રાહ જુએ અને જ્યારે ૩ વર્ષ બાદ પતિ પાછો આવે તો શું કહે કે ‘બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હે.’ ઓવૈસીએ કહ્યું કે તમે એક જોગવાઇ લાવો કે જો કોઇ વ્યક્તિ તેની પત્નીને ત્રણ તલાક આપે છે તો તેણે મહેરની રકમ પાંચ ગણી આપવી પડશે.
દરમિયાન, કોંગ્રેસે ત્રણ તલાક સામે પ્રતિબંધ લાદતું બિલ સ્થાયી સમિતિને મોકલવાની માગ કરીને જણાવ્યું કે ત્રણ તલાકને ફોજદારીનો મામલો બનાવવાનું યોગ્ય નથી. લોકસભામાં મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) બિલ ૨૦૧૯ પર હાથ ધરવામાં આવેલી ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ જણાવ્યું કે ભાજપ તરફથી એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અમારી પાર્ટીનું વલણ સ્પષ્ટ નથી. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારૂં વલણ સ્પષ્ટ છે. ત્રણ તલાક વિરૂદ્ધના સુપ્રીમકોર્ટના ચુકાદાનું સર્વ પ્રથમ કોંગ્રેસે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસના વિરોધ માત્ર ત્રણ તલાકને ફોજદારી મામલો બનાવવા સામે છે. જ્યારે આ દિવાની મામલો છે. ગોગોઇએ જણાવ્યું કે લાખો હિન્દુ મહિલાઓને તેમના પતિઓએ છોડી દીધી છે, તેમની ચિંતા કેમ કરવામાં આવતી નથી ? અગાઉ, કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે પણ બિલનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું કે આ બિલ સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલવું જોઇએ. પતિઓથી અલગ રહેવા માટે મજબૂર બધા ધર્મોની મહિલાઓ માટે એક કાયદો બનવો જોઇએ. તેમણે આ બિલને બંધારણની કલમ ૧૪ની વિરૂદ્ધનું ગણાવીને એવો દાવો કર્યો કે આ બિલ મુસ્લિમોની બર્બાદી માટે લાવવામાં આવ્યું છે. જાવેદે એવો પ્રશ્ન પણ કર્યો કે જ્યારે મુસ્લિમ પુરૂષ જેલમાં હશે તો પીડિત મહિલાને ભરણપોષણ કોણ આપશે ? તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે જ્યારે ભાજપ મુસ્લિમ મહિલાઓના હિત વિશે આટલું વિચારે છે તો તેના ૩૦૩ સાંસદોમાં એક પણ મુસ્લિમ મહિલા કેમ નથી ?

લોકસભામાં રજૂ થનારા ત્રણ તલાક બિલનો કોંગ્રેસ વિરોધ કરશે

સરકાર લોકસભામાં ચર્ચા-વિચારણા કરવા માટે ત્રણ તલાક બિલ ગુરૂવારે રજૂ કરશે. આ બિલને તેના વર્તમાન સ્વરૂપમાં રજ્‌્‌ કરવા સામે કોંગ્રેસ વિરોધ કરવા માટે તૈયાર છે. કોંગ્રેસે જણાવ્યું કે આ કાયદાને સંપૂર્ણપણે વ્યવસ્થિતરૂપ આપવા માટે સરકારે સમુદાય સાથે મસલતો કરવી જોઇએ. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે બિલ લોકસભામાં પાસ કરવા માટે ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે ભાજપના બધા સાંસદોને ગૃહમાં ઉપસ્થિત રહેવાનો વ્હિપ જારી કરવામાં આવ્યો છે. ત્રણ તલાક સામે પ્રતિબંધ લાદવાનું બિલ લોકસભામાં લાવવાના સરકારની હિલચાલને પગલે કોંગ્રેસે વળતો પ્રહાર કરીને જણાવ્યું કે બિલ ગૃહમાં રજૂ કરતા પહેલા સર્વપ્રથમ સમુદાય સાથે મસલતો કરવી જોઇએ. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ એવું ટિ્‌વટ કર્યું કે આજે લોકસભામાં નાટયાત્મક રીતે ત્રણ તલાક બિલ રજૂ કરાયું હતું. કાશ્મીર મુદ્દા અંગે દરમિયાનગીરી કરવા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી અલગ જો એનડીએ અને ભાજપ મુસ્લિમ પર્સનલ લોમાં હસ્તક્ષેપ કરવા આતુર છે તો ૧૯૫૦ના દાયકામાં હિન્દુ કોડ બિલ માટે કરવામાં આવ્યું તેમ એનડીએ અને ભાજપ આ કાયદાને સંપૂર્ણપણે વ્યવસ્થિતરૂપ આપવા માટે મુસ્લિમ સમુદાય સાથે મસલતો કેમ કરતા નથી ?

સંસદ : જેડીયુએ ત્રણ તલાક બિલનો વિરોધ કર્યો, કહ્યું – તેનાથી મુસ્લિમોમાં અવિશ્વાસ પેદા થશે

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ત્રણ તલાક સામે પ્રતિબંધ લાદતું બિલ ગુરૂવારે લોકસભામાં રજૂ કર્યું હતું. ત્રણ તલાક બિલનો તેના વર્તમાન સ્વરૂપમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેડીયુના સાંસદ રાજીવ રંજનસિંહે જણાવ્યું કે તેમનો પક્ષ એનડીએનો સહયોગી છે પરંતુ જેડીયુ આ મુદ્દા અંગે હંમેશ સ્પષ્ટ રહ્યું છે. ખાસ વિવાદાસ્પદ બાબતો અંગે જેડીયુ ભાજપનું સમર્થન કરશે નહીં. તેમણે એવું પણ કહ્યું કે ત્રણ તલાક બિલથી ખાસ કે મુસ્લિમ સમુદાયમાં અવિશ્વાસ પેદા થશે. તેમણે કહ્યું કે પતિ-પત્ની વચ્ચેના સંબંધો કાયદા દ્વારા નક્કી કરી શકાય નહીં. કોઇ પણ છૂટાછેડા ઇચ્છતું નથી અને કોઇ પણ ઇચ્છતું નથી કે તેમના સંબંધો બગડે પરંતુ સરકારે કાયદો લાવવાને બદલે સમુદાયને પોતાને નક્કી કરવા દેવું જોઇએ. સરકારે ધાર્મિક નેતાઓની મદદથી લોકોમાં જાગૃતિ લાવવા અંગે કામ કરવું જોઇએ. ઉતાવળમાં કોઇ કાયદો ઘડવો જોઇએ નહીં.