(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૦
ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી અંગ દઝાડતી અને પરસેવે રેબઝેબ કરતી ગરમીથી રાહત મળે તેવા સમાચાર છે. હવામાન ખાતાએ આગામી તા.૧ર અને ૧૩ જૂનના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરતા રાજય સરકારનું તંત્ર સાબદું થઈ ગયું છે આ વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. પરિણામે બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવી દઈ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
રાજયની પ્રજા એક તરફ કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યાં જ અરબી સમુદ્રમાં ભયાનક ડીપ ડિપ્રેશન સર્જાયું છે. હાલ આ ડીપ ડિપ્રેશન સૌરાષ્ટ્રના વેરાવળની ૯૦૦ કિલોમીટર જેટલુ દુર છે. જે આગામી ૪૮ કલાકમાં અરબી સમુદ્રમાંથી તીવ્રગતિએ આગળ વધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ૧૦૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાશે વાવાઝોડાની અસરરૂપે રાજયના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે ૧૧ જૂનના રોજ છુટોછવાયો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ ૧રમી જૂનની રાત્રિથી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ૧૩મી જૂનના રોજ પણ રાજયના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. વાવાઝોડાની મુખ્ય અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે જેમાં ખાસ કરીને ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, દીવ, જામનગર, ભાવનગર અને કચ્છ જિલ્લામાં અસર જોવા મળશે જયારે દક્ષિણ ગુજરાતમાં નજીવી અસર થશે. આ વાવાઝોડાની અસરરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ પડવાની શકયતા છે.
આ ઉપરાંત અમરેલીના જાફરાબાદ બંદર તથા પોરબંદર અને જામનગરના બંદરકાંઠા ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. સિગ્નલને પગલે મોટા ભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત આવી ગઈ છે જયારે અન્ય બોટોને વહેલીતકે પરત બોલાવી લેવાશે.