(એજન્સી) તા.૧૭
ઓલ ઈન્ડિયા મજલીસે-ઈત્તેહાદુલ-મુસ્લેમીન (એઆઈએમઆઈએમ) અને પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી ભારિપા બહુજન મહાસંઘ (બીબીએમ) વચ્ચેના ગઠબંધનને ‘બોગસ’ ગણાવતા શિવસેનાએ રવિવારે કહ્યું હતું કે, આ પ્રકારનું રાજકીય પગલું સારો સંકેત નથી. સેનાએ દાવો કર્યો હતો કે આ ગઠબંધનથી ફક્ત ભાજપને ફાયદો થશે. શિવસેનાએ આ આક્ષેપ કર્યો હતો કે બીવીએમના પ્રમુખ કે જે ડો. બી.આર. આંબેડકરના પૌત્ર છે તે તેમના સમુદાયના લોકોની સાથે જ વિશ્વાસઘાત કરવા માગે છે. કોઈ પણ પક્ષનું નામ લીધા વગર શિવસેનાએ કહ્યું હતું કે, ઓવૈસી અને આંબેડકરનું આ ગઠબંધન ફક્ત અને ફક્ત કોઈને હરાવવા માટે થયું છે અને આ એક યોજનાબદ્ધ વ્યૂહરચના છે. સેનાએ તેના મુખપત્ર ‘સામના’માં કહ્યું હતું કે, અત્યારસુધી આ બંને પક્ષો પડદા પાછળ રહીને ભાજપને સહયોગ આપતા હતા પરંતુ હવે તેઓ ભગવા પાર્ટીને મદદ કરવા માટે ખુલ્લેઆમ આગળ આવશે.