(એજન્સી) તેહરાન, તા.૧ર
ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે કોરિયાઈ સુપ્રીમ નેતા કિમ જોન્ગ ઉનને અમેરિકા પર ભરોસા કરતાં પહેલાં ચેતવણી આપતા કહ્યું કે, કરાર તોડવા અને પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કરવું એ અમેરિકાનો ઈતિહાસ રહ્યો છે. આથી અમેરિકા પર વિશ્વાસ કરવું મુર્ખામી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાની મુલાકાત પહેલાંના થોડાંક જ કલાક અગાઉ ઈરાની વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી. એમણે કહ્યું કે, કિમ જોન્ગ ઉનને ખબર હોવી જોઈએ કે વોશિંગ્ટન ‘કરાર તોડવા’ માટે જાણીતું છે. અહેવાલ મુજબ ઈરાન ટ્રમ્પ-કીમ શીખર સંમેલનને મહાન નિરાશાવાદ તરીકે જુએ છે. તેહરાનના અવિશ્વાસ પર ભાર મૂકતા ઈરાની વિદેશમંત્રી જાવેદ ઝારિફે કોઈના પણ નામનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યા વિના સોમવારે ‘ડીલ બ્રેકર ઈન ચીફ’ તરીકે ટ્રમ્પેને સંદર્ભિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયાએ વર્ષ ર૦૧પમાં સંયુક્ત રાષ્ટ્ર યોજનાના સંયુક્ત રૂપે સંમત થવા જર્મની અને ઈરાન સાથે જોડાયા હતા જેને ઈરાન પરમાણુ કરારના રૂપમાં ઓળખવામાં આવતું હતું. ટ્રમ્પે ગત મહિને આ સોદો રદ કરી દીધો હતો.