પાટણ, તા. ર૦
પાટણ જિલ્લાના સરકારી દવાખાનાઓમાં સેનેટરી ઈન્સ્પેકટરની ખાલી પડેલી જગ્યાઓ કોન્ટ્રાકટ બેઝ ઉપર ભરવા તાજેતરમાં ઈન્ટરવ્યુ યોજાયા હતા અને ખાનગી એજન્સી મારફત પ૪ જગ્યાઓ ભરવામાં આવી હતી પરંતુ આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે રજૂઆત થતાં પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ આ ભરતી પ્રક્રિયા રદ કરી પુનઃ પારદર્શી રીતે ભરતી કરવા આદેશ કર્યો છે જેને લઈ આરોગ્યક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. પાટણ જિલ્લાના પાટણ, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેનેટરી ઈન્સ્પેકટરોની જગ્યાઓ ખાલી હતી જે ભરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના દિશા-નિર્દેશ મુજબ ખાનગી એજન્સી રાજદીપ દ્વારા ઈન્ટરવ્યુ યોજાયા હતા જેમાં કોન્ટ્રાકટ બેઝ પર પ૪ જેટલા સેનેટરી ઈન્સ્પેકટરોની ભરતી કરવામાં આવી હતી પરંતુ આ ભરતી પ્રક્રિયા નીતિનિયમો નેવે મૂકી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે કેટલાક નોકરી ઈચ્છુક ઉમેદવારોએ રજૂઆત કરતાં ભરતી વિવાદાસ્પદ બની હતી. દરમ્યાન પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ આ ભરતી તથા સેનેટરી ઈન્સ્પેકટરોને અપાયેલા એપોઈન્ટમેન્ટ લેટરો રદબાતલ કરવા એજન્સીને આદેશ કર્યો છે અને પારદર્શી રીતે પુનઃ ભરતી પ્રક્રિયા કરવા જણાવ્યું હોવાનું આરોગ્ય શાખાના સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે.