(એજન્સી) નવી દિલ્હી,તા.૨
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય મજૂર સંઘએ પીએમ મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારની ‘શ્રમ વિરોધી’ નીતિઓ વિરુદ્ધ ૩ જાન્યુઆરી એટલે કે શુક્રવારે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. આ અંતર્ગત ટ્રેડ યુનિયન દિલ્હીના જંતર-મંતરની સાથે તમામ જિલ્લા મથકો પર પ્રદર્શન કરશે. ભારતીય મજૂર સંઘના જનરલ સેક્રેટરી વિરજેશ ઉપાધ્યાયે આ નિર્ણય અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સંસ્થા નોકરીઓમાં કરાર અને કેઝ્યુઅલ સિસ્ટમ વધારવાનો સખત વિરોધ કરે છે. તેમણે માંગ કરી હતી કે તમામ પ્રકારના કરાર, ફિક્સ્ડ ટર્મ, કેઝ્યુઅલ, દૈનિક વેતન, કામચલાઉ કામદારોને નિયમિત કરવા અને તેમને કાયમી રોજગાર આપવામાં આવે. આ ઉપરાંત ભારતીય મજૂર સંઘે પણ વ્યક્તિગત આવકવેરા છૂટની મર્યાદા વધારીને ૮ લાખ કરવાની માંગ કરી છે. ઉપાધ્યાયે કહ્યું, ‘સીધું વિદેશી રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રનું કોર્પોરેટકરણ રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે. રેલ્વેનું પણ કોર્પોરેટાઈઝેશન પણ બંધ કરવું જોઈએ, જે ભારતની જીવનરેખા છે. ભારતીય મજૂર સંઘે મોદી સરકારનાં આ પ્રયાસનો વિરોધ કર્યો છે. જેમાં હાલનાં શ્રમ કાયદાને ચાર કોડમાં સીમિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જો કે, સંગઠન આ કોડની ઘણી જોગવાઈઓ સુધારવા માંગે છે, જે મજૂર વિરોધી છે અને કામદારોના સામાન્ય હિતોને અસર કરે છે. સંગઠને આક્ષેપ કર્યો છે કે દેશની નોકરશાહીએ ઉદ્યોગપતિઓ સાથેનું ગઠબંધન કાયમ કરી દીધું છે જેથી કામદારોના હક્કો દબાવવામાં આવે.