ભરૂચ, તા. ૧૦
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની ભરૂચ જિલ્લામાં મિશ્ર અસર જોવા મળી હતી. તો ભરૂચ અંકલેશ્વરમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. તો જિલ્લાના અન્ય તાલુકાઓ ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, વાગરા, જંબુસર, આમોદમાં મિશ્ર પ્રતિસાદ મળતો હતો.
ભરૂચમાં વહેલી સવારથી જ કોંગ્રેસના શમસાદઅલી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અગ્રણીઓ કોંગી કાર્યકરો સાથે દહેજ બાયપાસ રોડ પર મનુબર ચોકડી પાસે ઊમટી પડ્યા હતા. દહેજ ઔદ્યોગિક વસાહતોની વિવિધ કંપનીઓમાં જતી કંપની એમ્પ્લોઈઝની બસો અટકાવવા સાથે ટાયરો સળગાવી ચક્કાજામ કરતા બે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાઈનો પડી જતા કંપનીના કર્મચારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા.ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલ એ.પી.એમ.સી. શાક માર્કેટમાં પણ કોંગી કાર્યકરો દોડી જઈ દુકાનો બંધ કરાવતા પોલીસ દોડતી થઈ હતી.ભરૂચના મહમદપુરાથી પાંચબત્તી અને સ્ટેશન સુધીના સમગ્ર રોડ પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં અન્ય અગ્રણીઓ અને કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફાટા તળાવ ઢાલ પાસે એક એસ.ટી. બસને તેમજ એક નગરપાલિકાની ગાડીને નિશાન બનાવી ટાયરોમાંથી હવા કાઢી નાંખતા મુસાફરો અટવાયા હતા. આ જ રીતે પાંચબત્તી પાસે પણ ખાનગી બેંકની શાખાને બંધ કરાવવાના પ્રયાસમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું.ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપ પર પહેલાથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હોવાથી કોંગી કાર્યકરો પેટ્રોલપંપ બંધ કરાવવા આવતા ક્ષણિક ઘર્ષણ થયું હતું.ભરૂચની કોલેજો બંધ કરાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા અને અન્ય કોંગીજનો કોલેજ પર પહોંચતા ત્યા ઉપસ્થિત ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ તેઓની અટકાયત કરતા ભારે સૂત્રોચ્ચાર સાથે પોલીસવાનમાં કોંગીજનો રવાના થયા હતા.આ તરફ વાહન-વ્યવહાર સતત ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુલદ ટોલ પ્લાઝા પર યુવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ કાર્યકરો સાથે સૂત્રોચ્ચાર કરતા ટોલબુથ પર ઉતરી આવ્યા હતા અને ટોલ બુથ બંધ કરાવતા પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી. પોલીસે યુવા કોંગી કાર્યકરોની અટકાયત કરી વાહન-વ્યવહાર પુનર્વત કર્યો હતો.આમ ભરૂચ શહેરમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચના ચકલા, જૂના બજાર જેવા જૂના ભરૂચના વિસ્તારો ઉપરાંત શક્તિનાથા, લીંક રોડને બાદ કરતા કતોપોર બજાર, ઝોડેશ્વર રોડ, મહંમદપુરા વગેરેમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી આ વિસ્તારોમાં મોટો ભાગની દુકાનો બંધ રહી હતી અને બંધ શાંતિપૂર્ણ રહેવા પામ્યો હતો. ભરૂચ શહેરમાંથી બંધને સફળ બનાવવા રોડ પર ઉતરી આવેલ કોંગી અગ્રણીઓ અને કાર્યકરો મળી વિવિધ સ્થળેથી ૬૦થી વધુની અટકાયત કરી સ્થિતિને જાળવી રાખી હતી.