(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૨૨
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીબીની સારવાર લેતી માતાને ૩ વર્ષની પ્રિન્સી સવારે વારંવાર જગાડવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ માતાનું મોત થયું હોવાથી પ્રિન્સી હવે નિરાધાર બની ગઈ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે એક નાની બાળકી માતાને જગાડવાનો વારંવાર પ્રયાસ કરી હતી, પરંતુ માતા તો નિર્જીવ બની ગઈ હતી. આ દરમિયાન સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકી હોસ્પિટલમાં આવતા તેમણે આ દૃશ્ય જોયું હતું. તબીબને બોલાવી તપાસ કરાવતાં મહિલાનું મોત થઈ ગયું હતું. આ જોઈને ધર્મેશભાઇનું જ નહીં પણ હાજર સર્વ કોઈનું હૃદય કંપી ઊઠયું હતું કેમ કે, ૩ વર્ષની નિર્દોષ પ્રિન્સી માતાને ઉઠાવવાનો પ્રયાસ કરી રહી હતી અને માતા નિર્જીવ થઈને પડી હતી તે દૃશ્યને પગલે હાજર લોકોનાં હૃદય કંપી ગયા હતા. આંખોમાંથી આંસુ વહી ગયા હતા. આ દૃશ્ય જોઈને ભલભલા હચમચી ગયા હતા. આ બનાવમાં મળેલી વિગતોમાં અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામે રહેતી મનીષા વસાવાના થોડાં વર્ષ પહેલાં ભરૂચના ધોળીકુઈ બજારમાં રહેતા અમૃત વસાવા સાથે પ્રેમલગ્ન થયા અને તેઓ ધોળીકુઇમાં રહેતા હતા, આ દરમિયાન પ્રિન્સી નામની બાળકીનો જન્મ થયો હતો, ત્યાં ત્રણ વર્ષ પહેલાં અમૃત વસવાનું મોત થતાં મનીષા અને પુત્રી પ્રિન્સી નિરાધાર બનતા તેમણે ભીખ માંગીને પોતાનું પેટ ભરવાનું શરૂ કર્યું હતું, જ્યારે છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતી મનીષા બેન બે-ત્રણ દિવસ પહેલાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ હતી. મનીષાના તબીબ રિપોર્ટમાં તેને ટીબી હતો અને તે અંતિમ તબક્કામાં હતા, ત્યાં આજે બે-ત્રણ દિવસથી માતાના ખાટલે બેસતી ૩ વર્ષીય પ્રિન્સી જ માતાનો સહારો હતો, ત્યાં એકબીજાના સહારા બનેલા માતા પુત્રી આજે વિખુટા પડ્યા હતા. કેમ કે, સવાર દરમિયાન માતા મનિષાનું મોત થયું હતું. બાળકી માતાના ખાટલે માથાના ભાગે બેસીને નિર્દોષ ભાવે માને ઉઠ કહે છે, પરંતુ કયાંથી ઊઠે મા તો આ દુનિયામાં તેને એકલી મૂકીને બીજી દુનિયામાં ચાલી ગઈ છે, જ્યારે ૩ વર્ષ પહેલાં પિતાને ગુમાવ્યા અને હવે માતાને પણ ગુમાવનારી પ્રિન્સી ફરી નિરાધાર બની ગઈ છે, જ્યારે આ વાતની જાણ થતાં સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકી દ્વારા મનીષાબેનના વાલી વારસોને શોધવાની સાથે સાથે તેમની અંતિમ ક્રિયા કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેમણે બાળકી માટે પણ નારી કેન્દ્ર સહિતના વિભાગોને જાણ કરી હોવાનું જણાવ્યું હતું.