(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.ર૯
ભરૂચ જિલ્લામાં રવિવારની બપોરથી સોમવારની સમી સાંજે સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અંકલેશ્વર વાલિયા પંથકમાં બે ઈંચ જયારે નેત્રંગ પંથકમાં ૩ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા નાળા અને ખાડીઓ ઓવરફલો થઈને વહેતી થઈ હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ માટે દુઆ-પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યાં જ ભરૂચ જિલ્લામાં રવિવાર અને સોમવારના દિવસ દરમ્યાન મેઘરાજાની મહેર થતા જિલ્લાના લોકોને ગરમી ઉકળાટથી રાહત મળી હતી. જયારે જગતનો તાત પણ ખુશ થયો હતો અને તેના પાકને જીવતદાન મળી ગયું છે. ભરૂચ જિલ્લાના એક બે તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદે એન્ટ્રી કરી છે. જિલ્લાના તાલુકામાં રવિવારે વરસાદે એન્ટ્રી કરતા આમોદ-પ મી.મી. જંબુસર ૪ મી.મી., વાલિયા ર૧ મી.મી., ઝઘડિયા ૧૪ મી.મી., હાંસોટ ૧૯ મી.મી., અંકલેશ્વર ર૮ મી.મી., નેત્રંગ પ૧ મી.મી., વાગરા ૧પ મી.મી. વરસાદ નોંધાયો હતો.
જયારે આજે સોમવારે મેઘરાજાએ સવારથી જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેમાં જિલ્લાના નવ તાલુકાઓ ભીંજાયા હતા. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નાળા અને ખાડીઓ છલકાઈ હતી. જિલ્લામાં સોમવાર સવારે ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા દરમ્યાન ભરૂચ-૧ર મી.મી., આમોદ ૩ર મી.મી., જંબુસર ર મી.મી., વાલિયા પ૯ મી.મી., ઝઘડિયા ૧ર મી.મી., હાંસોટ ૧ર મી.મી., અંકલેશ્વર-૮૪ મી.મી., નેત્રંગ ૭૬ મી.મી., વાગરા ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જયારે કેટલીક જગ્યાએ રસ્તા ઉપર નવી પાઈપ લાઈન નાખતા ભુવાઓ પડયા હતા. જયારે ભરૂચ શહેર પણ જળબંબાકાર બનતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જયારે અંકલેશ્વરમાં સૌથી વધુ ૮પ મી.મી. વરસાદ થતા પિરામણ ગામ નજીકની આમલાખાડી ફરીથી ઓવરફલો થતા ગામ સુધી પાણી ભરાતાં અંકલેશ્વર હાઈવેથી અંકલેશ્વર શહેરનો રસ્તો વાહન વ્યવહાર માટે થોડા કલાક માટે બંધ થઈ ગયો હતો. નેત્રંગ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોવાથી છેલ્લા દસ કલાક દરમ્યાન સતત બેટીંગ ચાલુ રહેલાં ત્રણ ઈંચ જેટલું પાણી વરસાવી દીધું છે. બીજી તરફ સતત વરસાદને લઈને નેત્રંગની અમરાવતી નદીમાં ઘોડાપૂર આવતા લોકટોળા ઉમટી પડયા હતા, કોલેજ તરફ જતા રસ્તામાં આવતા નાળા પરથી પાણી ફરી વળતાં કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા હતા. ર૭મી જુલાઈના રોજ મેઘરાજાએ મહેરબાની કરતા ર૯મી જુલાઈના બપોરના ૪ વાગ્યા સુધીમાં ૧૯૮ એમ.એમ. એટલે કે ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
જયારે ર૯ જુલાઈના રોજ સવારના ૬ વાગ્યાથી લઈને બપોરના ૪ વાગ્યા સુધીમાં ૭૬ એમ.એમ. એટલે કે ત્રણ ઈંચ વરસાદ માત્ર દસ કલાકના સમયગાળા વરસી પડયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ મેઘરાજાની બેટીંગ અવિરત ચાલુ છે. ર૯મી જુલાઈના બપોરના ચાર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ પ૯૮ એમ.એમ. એટલે કે ર૪ ઈંચ વરસાદ થઈ ચુકયો છે ગત ચોમાસાની સીઝન કરતા હજુ પ ૧/ર ઈંચ વરસાદ ચાલુ સાલે ઓછો છે.