(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર
ભરૂચ તાલુકાના ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર નિર્માણ પામનાર વિયર કમ કૉજવેના ખાતમૂહર્ત પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૮ તારીખે ભરૂચ ખાતે પધારનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મક્તમપુર રોડ ઉપર આવેલ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપરથી કૉજવેનું ખાતમૂહર્ત કરી જંગી સભાને સંબોધન કરશે. ત્યારે કાર્યક્રમની કામગિરી પહેલા કૃષિ કેન્દ્રના ઉભા સંશોધનના પાક ઉપર બુલડોઝર ફેળવી દેવામાં આવતા કૃષિ કેન્દ્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમિતિએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો જેને લઇને સમગ્ર પ્રકરણ હાલ ભરૂચમાં મોદીની સભા પહેલા ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં કાર્યક્રમ સ્થળે ગુલાબના ફૂલ અધિકારીઓને આપવા માટે ગયા હતા.
કોંગી કાર્યકરો કૃષિ કેન્દ્રમાં પ્રવેશ કરે પહેલાં તો ડી.વાય.એસ.પી ચૌહાણ સહિતના અધિકારીઓએ ગેટ ઉપર ઉભા રહી જઇ કોંગી કાર્યકરોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. જયારે કોંગી કાર્યકરો અને ડી.વાય.એસ.પી એન.ડી.ચૌહાણ વચ્ચે ચકમક થઇ હતી.
કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં લેવામાં આવતા ઉભા પાક ઉપર જે પ્રકારે બુલડોઝર ફેળવવામાં આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર ઉપર ગંભીર અસર પડી છે અને આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સાથે તેઓની મુલાકાત પણ લેવા દેવામાં આવતી નથી. તેમજ ગ્રાઉન્ડ ઉપર સભા સ્થળનું કામ કરાવનાર અધિકારીઓને ગાંધીગીરી કરી ગુલાબનું ફૂલ આપવાનું પણ પોલીસેના કહેતા આખરે કોંગી કાર્યકરોએ કૃષિ કેન્દ્રના ગેટ ઉપર પોલીસ અધિકારીઓના પગ પાસે ગુલાબ મૂકી સમગ્ર બાબતે વિરોધ નોંધવ્યો હતો.