ભરૂચ,તા.૧૮
ભારત દેશના સંવિધાનમાં દરેક ધર્મ, જાતિ, સમુદાયના લોકોને સમાન અધિકારનું પ્રાવધાન હોવા છતાં અંગ્રેજ સરકારને સારી કેહેવડાવે તેમજ દેશમાં જાતિગત ભેદભાવ ઊભા કરી ભાજપ દ્વારા એનઆરસી અને સીએએના કાળા કાયદા દ્વારા ધાર્મિક ઉન્માદ ફેલાવવાના વિરોધમાં ભરૂચ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા ક્લેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ માઈનોરીટી સેલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના કંમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનોની હાજરીમાં મોઢા ઉપર કાળી પટ્ટી બાંધી તેમજ એનઆરસી અને સીએબીનો વિરોધ દર્શાવતા બેનરો હાથમાં લઈ વિરોધ પ્રગટ કર્યો હતો. ડો.બાબાસાહે આંબેડકર દ્વારા અપાયેલા બંધારણથી વિમૂખ એનઆરસી તેમજ સીએએ જેવા કાયદાઓ ઘડી ભાજપ દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવી મોંઘવારી, બેકારી, આર્થિક મંદી જેવા મુદ્દાઓથી દેશનું ધ્યાન ભટકાવવાનો નિર્મમ પ્રયાસ કરે છે. તેવા આક્ષેપ સાથે રાષ્ટ્રપતિને સંબોધન આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી. ઉલ્લેખનીય છે કે, લોકો કારમી મોંઘવારી, બેરોજગારી જેવી તકલીફો સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે એનઆરસી અને સીએએ જેવા કાયદા સામે લોકોમાં ભારોભાર રોષની લાગણી વર્તાવા પામી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ ફાંસીવાલા, યુનુસભાઈ અમદાવાદી, ઝુબેરભાઈ પટેલ, સુલેમાનભાઈ પટેલ, શહેર પ્રમુખ વિક્કી શોબી, પરિમલસિંહ રણા, સમસાદઅલી સૈયદ, યુનુસ પટેલ, ઐયુબ બાપુ, શકીલ અકુજી, હેમેન્દ્ર કોઠીવાલા, સુનિલ ખૈર, જ્યોતિબેન તડવી, ગીતાબેન વસાવા, ફરીદાબેન પટેલ, શરીફ કાનુગા, યોગી પટેલ, હરીશ પરમાર, સુરેન્દ્ર પરમાર, ડો.શફી, દિલાવર પટેલ સહિતના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.