(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૩
આગામી ૮ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરૂચ ખાતે જાહેર સભાનું સ્થળ બદલવા માટે અને કૃષિ યુનિવર્સિટીના ઊભા કપાસના પાકને નુકસાન કરનાર અધિકારીઓ વિરૂદ્ધ પગલાં ભરવા માટે આવેદનપત્ર પાઠવાયું હતું.
આગામી ૮ તારીખે ભાડભૂત નજીક કોઝવેના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર જાહેર સભા સંબોધવા પધારનાર છે.
કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ સંશોધન કેન્દ્રમાં કપાસનો ઉછેર કરવામાં આવ્યો હતો. જે વડાપ્રધાનના કાર્યક્રમના કારણે નષ્ટ કરવામાં આવતા વિદ્યાર્થી સમિતિમાં ભારે રોષની લાગણી ઊભી થઈ હતી. જે મુદ્દાને ધ્યાનમાં રાખી આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને હોદ્દેદારોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કપાસનો પાક આપખુદ શાહીથી નષ્ટ કરીને નુકસાન કરવામાં આવ્યું છે. જેના કારણે તાત્કાલિક અસરથી સભાનું સ્થળ બદલવું જોઈએ અને કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉચ્ચારી હતી.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ બળવતસિંહ પરમાર, મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ, પ્રવક્તા નાજુ ફળવાલા, કોંગી અગ્રણી સંદીપ માંગરોલા, દિલાવર ઉપરાલી વાલા, દિનેશ અડવાણી હેમેન્દ્ર કોઠીવાલા, નસીમ નબીપુરવાલા સહિતના કોંંગી કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.