(સંવાદદાતા દ્વારા) ભરૂચ. તા. ૧૩
ભરૂચ શહેરના ફૂરજા વિસ્તારનાં રહીશો દ્વારા આજે CAB બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમે સાચા હિન્દુસ્તાની છીએ જો મોદી-શાહ અમોને ડરાવવાનો પ્રયાસ કરશે તો અમે પણ અમારા હકની લડાઈ લડીશું તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. દેશભરમાં સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ “CAB એટલે કે નાગરિક સંશોધન બિલ” નો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ રાજ્યમાં હિંસક વિરોધ થઈ રહ્યો છે ત્યાં જ ભરૂચ શહેરના વોડ નં. ૧૦ ના નગરસેવક યુસુફભાઈ મલેકની આગેવાનીમાં આજે “નાગરિકત્વ બિલ” નો વિરોધ કરતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોએ “ ધાર્મિક ભેદભાવની નીતિ બંધ કરો, ધર્મના નામે ભાગલા પાડવાનું બંધ કરો, “સમાન ન્યાય-બિન સાપ્રદાયકતાની માંગણી કરી હતી. “કોમવાદી કાયદો CAB નિંદનીય છે. લખેલ વિવિધ બેનરો બનાવી CABનો વિરોધ કર્યો હતો. નગરસેવક યુસુફ મલેકે કહ્યું હતું કે, અમે આ દેશના સાચા નાગરિકો છીએ, અમે દેશના વફાદાર છીએ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પ્રમાણે મુસ્મિમ વિરોધી કાયદા બનાવી રહ્યા છે તેનાથી અમે ડરવાના નથી. અમોને જો લલકારવામાં આવશે તો અમે મોદી કે અમિત શાહથી ડરવાના નથી. અમને CAB (કેબ) અને NRC નો કાયદો મંજૂર નથી. અમે સખત શબ્દોમાં આ કાયદાને વખોડી નાખીએ છીએ તેમ લોકોએ જણાવ્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. જ્યારે ભરૂચ તાલુકાના સીતપોણ, પરી અને પરીએજ, પારખેત સહિતના અનેક ગામોમાં વિરોધ કરતા કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ભરૂચ શહેરની અમનપાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ કેબ (CAB)ના વિરોધના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.