(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા. ૧
ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ થયો હતો. સ્કૂલ દ્વારા મહેંદીનો રંગ જાય પછી સ્કૂલે આવવાનું ફરમાન જારી કરતા ખળભળાટ વ્યાપી ગયો હતો. સ્કૂલના આ પ્રકારના ફરમાન મુદ્દે સ્કૂલ ખાતે હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
તાજેતરમાં જ ગૌરીવ્રતની પુર્ણાહુતી થઇ છે. જેમાં બાળાઓ દ્વારા હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી. ભરૂચના હાઇવે ઉપર આવેલ વડદલા ગામ નજીકની કવિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે આજ રોજ સવારે વિદ્યાર્થીઓના હાથમાં મહેંદીનો રંગ જામ્યો હોય શાળા તરફથી વિદ્યાર્થિનીને મહેંદીનો રંગ જાય બાદ શાળાએ આવવવાનું વિવાદિત ફરમાન કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.
મામલા અંગેની જાણ વાલીઓને થતા વાલીઓએ હિન્દુ સંગઠનો સાથે શાળા ખાતે ઢસી જઇ હોબાળો મચાવ્યો હતો. ઘટનાના પગલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને આડે હાથ લીધા હતા.
તો બીજી તરફ મામલાની ગંભીરતા જોઈ શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી. તેમજ સમગ્ર મામલા અંગે માફી માંગી આગળથી આ પ્રકારની ગંભીર ભૂલ શાળા તરફથી નહીં થાય તે પ્રકારની બાહેદરી આપતા મામલો શાંત પડ્યો હતો.