ભરૂચ, તા.૧૩

ગુજરાતના ભરૂચ શહેરનો વતની અને સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલ અસ્ફાક બેન્ડવાલા પોતાના અથાગ પરિશ્રમ થકી દર વર્ષે ભારત માટે કોઈને કોઈ ખુશખબરી લાવે છે. આ વર્ષે પણ તેણે વિશ્વકક્ષાની “આનોર્લ્ડ ક્લાસિક આફ્રિકા-૨૦૧૭” સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ ભારતને અપાવી ફરી એકવાર વિશ્વ ફલક પર ભારત અને ભરૂચનું નામ ઉજળું કર્યું છે. ધંધા-રોજગાર અર્થે સાઉથ આફ્રિકામાં વસવાટ માટે ગયા બાદ ત્યાં જ સ્થાયી થઈ ગયેલ અસ્ફાક બેન્ડવાલા નામનો યુવાન આજે ભારત અને ભરૂચનું ગૌરવ બન્યો છે. બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં અત્યાર સુધી અનેક સ્પર્ધાઓ જીતી તેણે ઘણા બધા ખિતાબો પોતાના નામે કર્યા છે. બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ યોજી તેમાંથી મળતી રકમને ગરીબ બાળકો પાછળ ખર્ચી તેણે સેવાની સુવાસ પણ ફેલાવી છે. આફ્રિકામાં રહી ભારતનું નામ ઉજળું કરનાર મહાત્મા ગાંધી પછી આ યુવાન બીજો હોવાથી તેને સેકન્ડ ગાંધીનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. ગતવર્ષે તેણે વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ આ વર્ષે જોહનિશબર્ગના સેન્ડટોન કોન્વેનશન સેન્ટરમાં યોજાયેલી “આનોર્લ્ડ ક્લાસિક આફ્રિકા-૨૦૧૭” સ્પર્ધામાં જીત હાંસિલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અસ્ફાકે આર્મ ક્યુરલ ચેમ્પિયન ઓવરઓલ જીતી તેમાં પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેને બેસ્ટ મોડેલના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો. પરિણામે તેના પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. અસ્ફાકે પોતે ગોલ્ડ મેડલ મેળવ્યા છે પણ એની સાથે તેણે અન્ય યુવાનોને તૈયાર કરી સ્પર્ધામાં ઉતારતા તેમણે પણ જીત મેળવી હતી. આનોર્લ્ડ ક્લાસિક આર્મ ક્યુરલ સ્પર્ધામાં મૂળ અમદાવાદના રહેવાસી અને કેન્યામાં રહેતો નિમેષ બિપિન સોની બ્રાઉન મેડલ મેળવ્યો હતો, ૬૮ કિલોની કેટેગરીમાં અયાઝ બેન્ડવાલાએ બ્રાઉન મેડલ,અને ગેરી કેટઝેને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.