(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
ફાસ્ટેગના અમલ બાદ ટોલ નાકા પર આંદોલન થઈ રહ્યાં છે. કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોની જીત થયા બાદ ભાટિયા ટોલનાકા પર વસૂલાતા ૨૦ અને ૩૦ રૂપિયાના વિરોધમાં સ્થાનિકોએ આંદોલન શરૂ કર્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ટોલનાકા પર ફાસ્ટેગનો કાયદો લાગુ કરતાં જ સુરતના ભાટીયા ટોલનાકા અને કામરેજ ટોલનાકા માટે સ્થાનિકોએ વિરોધ નોધાવ્યો હતો. જેમાં કામરેજ ટોલનાકા પર રહીશોના આંદોલનના કારણે છેવટે સરકારે સ્થાનિકોને ટોલ ટેક્ષ મુકત જાહેર કર્યા બાદ ભાટીયા ટોલનાકા પર સ્થાનિકો પાસેથી વસુલાતા પૈસા મુદ્દે સ્થાનિકોના સમર્થનમાં હવે શિવસેના મેદાનમાં ઉતર્યું છે. ભાટિયા ટોલ નાકા પર સ્થાનિકો પાસે વસૂલવામાં આવતા ટોલ સામે ઉગ્ર વિરોધ સાથે સાંસદ અને ધારાસભ્યની રજૂઆત સામે પણ ભાટિયા ટોલનાકા વાળા અડગ રહ્યાં છે. સ્થાનિકો પાસે એક તરફી મુસાફરીના ૨૦ અને રિટર્નના રૂ. ૩૦ વસુલાય છે. જેથી શિવસેના ટોલનાકા સંચાલક અને હાઇવે ઓથોરોટીને રજૂઆત કરશે. જો કે સ્થાનિકોની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લોકોના વિરોધને લઈને ભાટિયા ટોલ નાકા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.