અમદાવાદ, તા.૧૫
કૌભાંડી ભટનાગર બંધુઓ એવા અમિત અને સુરેશ ભટનાગર, પ્લેન હાઇજૅકનો ધમકી ભર્યો પત્ર લખનાર કરોડપતિ વેપારી બિરજુ સલ્લા અને પૂર્વ સાંસદ ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ રાજ્યની સૌથી સુરક્ષિત એવી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની એક જ બેરેકમાં બંધ છે. ગઈકાલે તેમની બેરેકમાંથી જેલ ઝડતી સ્ક્વોર્ડને બે મોબાઈલ ફોન, ચાર્જર, મેમરી કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી હતી. ત્યાર બાદ જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે જાણવા મળ્યા મુજબ, સાબરમતી સેન્ટ્રલ જેલના સિનિયર જેલરની આગેવાનીમાં સાંજે નવી જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનું બેંક કૌભાંડ આચરનાર વડોદરાના સુરેશ ભટનાગર અને અમિત ભટનાગર, પ્લેન હાઇજૅકનો ધમકી ભર્યો પત્ર લખનાર કરોડપતિ વેપારી બિરજુ સલ્લા અને પૂર્વ સાંસદ ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડને સાબરમતી જેલમાં એક જ બેરેકમાં રાખવામાં આવ્યા છે. બેરેકની તપાસ કરતા માતાજીના ફોટા નીચે ખૂણામાં દિવાલની અંદરથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોન ઉપરાંત એક ચાર્જર, ચાર સીમકાર્ડ અને એક મેમરી કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી. બંને મોબાઈલમાં પાસવર્ડ હોવાથી કોને કોને ફોન કર્યા હતા તેની માહિતી મળી શકી ન હતી.