(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૭
મકતમપુરા વોર્ડમાં જુહાપુરા સંકલિતનગર વિસ્તારમાં શિક્ષણમંત્રીએ આજરોજ જે સરકારી શાળાનું લોકાર્પણ કર્યું તે સારી બાબત છે. પરંતુ યુપીએ શાસન વખતે બનાવાયેલી ભાઠા પ્રાયમરી શાળાની સાથે ઉચ્ચતર માધ્યમિક શાળા પણ લોક માગ મુજબ બનાવવામાં આવી હોત તો જુહાપુરા-સરખેજ વિસ્તારના બાળકોને દરબદર ભટકવું ન પડત આજે જે શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તે નવી શાળામાં ભાઠા પ્રાયમરી શાળાના જ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે. જે પાંચ કિલોમીટર દૂર છે આથી અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે તેવી શકયતા છે.મકતમપુરા-જુહાપુરા-સરખેજ-શાહવાડી ગ્યાસપુર મળી ચાર લાખથી પાંચ લાખની વસ્તી ધરાવતા વિસ્તારમાં ખાનગી પ્રાથમિક શાળાઓ મોટા પ્રમાણમાં છે. ઉચ્ચતર માધ્યમિક શાળા જે ગ્યાસપુરમાં ભાઠામાં કાર્યરત છે આ શાળા જે ભાઠા પ્રાયમરી શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે બંને શાળાઓ યુપીએ સરકારના શાસન દરમ્યાન સર્વશિક્ષા અભિયાનમાં જુહાપુરા વિસ્તારને ફાળવવામાં આવી હતી. તેમાંથી એક શાળા નવી ભાઠા ગ્યાસપુર ખાતે બનાવવામાં આવી હતી અને બીજી ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ચાર કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કલેકટરને વારંવાર રજૂઆત કરવા છતાં જગ્યાની ફાળવણી માટે વિલંબ થયો હતો તેના કારણે વિદ્યાર્થીઓને શાંતિનિકેતન શાળામાં બેસાડી શાળા ચાલુ રાખી હતી. પછી નવી ભાઠા પ્રાયમરી શાળા જ બની જતા અહી ધોરણ-૮થી ધોરણ-૧રના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ રાખેલ હતો. શિક્ષણ મંત્રીને કોંગ્રેસ પક્ષના વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ અગાઉ પત્ર લખીને નવી ભાઠા પ્રાયમરી શાળામાં જ ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલુ છે તે જ શાળા રાબેતા મુજબ ચાલતી રહે અને હાલમાં જે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડીંગનું નવું બાંધકામ ચાલુ છે. ત્યાં નવી મંજૂરી આપી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ડ્રોપ આઉટ ન લે તે વિદ્યાર્થીઓના હિત માટે કામગીરી કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. પણ આજે જે શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે નવી શાળમાં નવી ભાઠા પ્રાયમરી શાળાના જ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને દુર સુધી શાળાએ જવું પડશે. જેના લીધે હાલમાં એ જ વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રહેવું પડશે. શાળાના ઉદઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર મીરઝા હાજી અસરારબેગ, રોશનબેન વોરા અને સુહાનાબેન મન્સુરી, સફીભાઈ વોરા સહિત વિસ્તારની એનજીઓ સંસ્થા દ્વારા નવી સરકારી ગ્રાન્ટેબલ શાળા અંગ્રેજી માધ્યમની અને વિશાલા હોટલની સામે પ્રાથમિક શાળા માટે માગણી કરવામાં આવી હતી કારણ કે ટીપી ૮પમાં પણ વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું હોઈ અને વસ્તીના ધોરણે વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોઈ વધુમાં વધુ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળે તે માટે વ્યવસ્થા કરવા કોંગ્રેસ પક્ષ તરફથી માગ કરવામાં આવે છે.