ભાવનગર, તા.૩૧
ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલ સર.ટી. હોસ્પિટલના ગોપનાથ મેટરનિટી વિભાગમાં બાળકનું મૃત્યુ થયાનું જણાવી મૃતદેહ સોંપવામાં આવેલ પરંતુ તેની અંતિમવિધિ વખતે બાળકના પગે અન્યના પિતાનું અને જન્મતારીખ પણ બદલાયેલ માલૂમ પડતા અંતિમવિધિ અટકાવી સગા-સંબંધી સત્વરે હોસ્પિટલ ધસી ગયા હતા. બનાવની મળતી વિગત મુજબ ઉમરાળા તાલુકાના ગોપનાથ ગામે રહેતા ચુડાસમા રાજુભાઈ ધુધાભાઈના પત્ની કાજલબેન પ્રસુતા હોય બે દિવસ પહેલાં ડિલીવરી માટે દાખલ કરાયા હતા. દરમિયાન તેણીએ બાળકને જન્મ આપ્યો હતો અને થોડા સમયમાં તેનું મૃત્યુ થયાનું જણાવી મૃત બાળક તેના પિતા રાજુભાઈને સોંપવામાં આવેલ અને મૃત બાળક લઈ રાજુભાઈ ગોપનાથ પહોંચ્યા હતા અને મૃત બાળકની દફનવિધિ કરતી વખતે બાળકના પગના અંગુઠામાં રહેલી ટેગ કોઈના ધ્યાનમાં આવતા બાળકનું મૃત્યુ ૨૪/૫/૧૮ લખેલું હતું અને મૃતકની ઓળખ છોકરી વિજયભાઈ તથા વજન દોઢ કિલો લખેલું હતું જ્યારે કાજલબેનને બાળક ૩૦/૫/૧૮એ જન્મેલ અને તે મેલ (દીકરો) હતો જ્યારે સોંપાયેલી લાશ છોકરી હોય અન્ય નામ હોય રાજુભાઈ ભુતેજ દફનવિધિ અટકાવી સર.ટી. હોસ્પિટલના જવાબદાર અધિકારીને મળી સમગ્ર બનાવની વિગતો જણાવતા હોસ્પિટલના અધિકારીએ લુલો બચાવ કરી જણાવેલ કે, નર્સથી ભૂલથી નામ લખવામાં આવ્યા હશે…!! ટેગ બદલવાનું રહી ગયું હશે જ્યારે મૃત બાળકના પિતા રાજુભાઈએ જણાવ્યું હતું કે, કાજલબેનને પુત્રનો જન્મ થયો હતો અને તેનું વજન અઢી કિલો બતાવાયુંં હતું. ૩૦ તારીખે જન્મેલુ બાળક ૨૪ તારીખે મૃત કેવી રીતે થાય ? ફીમેલ પણ કેમ થઈ જાય ? બાળકના બદલે બાળકી કેવી રીતે થઈ ગઈ ? આ અંગે હોસ્પિટલના જવાબદારો સામે ગરીબ વ્યક્તિએ પોલીસ અરજી કરી છે. જો કે, હોસ્પિટલના ડૉ.અલ્પાબેન પારેખ (ઈન્ચાર્જ એચઓડી) કોઈ કાળો હાથ મૂકવા દેતા નથી હવે હોસ્પિટલવાળા કહે છે કે, સમગ્ર મામલાની ખરાઈ કરાવા ડીએનએ ટેસ્ટ કરાવો. તેનો ખર્ચ ૧ લાખ રૂપિયા જેટલો થાય છે. હવે ગરીબ માણસો પાસે બે-પાંચ હજાર રૂપિયા હોતા નથી ત્યારે તો સરકારી દવાખાને ડિલીવરી કરાવવા આવવું પડે છે ત્યારે ડીએનએ કયાંથી કરાવી શકે ? હવે ગરીબ માણસને દવાખાનાથી લઈ પોલીસ સ્ટેશન ધક્કા ખાવાના અને બાળક તો મળવાની આશા જ કયાંથી હોય… ખરેખર આ પ્રકારની ગંભીર બેદરકારી સામે સત્વરે ન્યાય મળવો જોઈએ તેવી લોકમાંગ છે.ો