ભાવનગર,તા.પ
ભાવનગર ગૌરીશંકર તળાવ (બોરતળાવ) વરસાદી પાણી ભીકડા કેનાલ મારફત આવે છે. ભીકડા કેનાલનો કેચમેન્ટ એરિયા ૩૪ સ્કવેર માઈલ છે. માલેશ્રી નદી પર હેડ વર્કસનું બાંધકામ કરી માલેશ્રી નદીનું વરસાદી પાણી ભીકડા કેનાલમાં આવે છે અને કેનાલ દ્વારા વરસાદી પાણી બોરતળાવમાં આવે છે. બોરતળાવનો સ્ત્રાવ વિસ્તાર ૩૪ ચો.માઈલ છે. બોરતળાવની પૂર્ણ જળ સપાટી ૮૬૮ એકરમાં, ભીકડા કેનાલની લંબાઈ ૧૩,૯૭૩ ફુટ ભીકડા બંધના દરવાજા ૧૭ (નંગ), માલેશ્રીના દરવાજા ૧૦ નંગ, આ વિસ્તારની વાત કરીએ તો ભીકડા કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા ૬૦૦૦ ક્યુસેક, બાંધકામ વર્ષ ૧૯૪૧. ભાવનગર મહાનગર પાલિકાની સભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા જયદિપસિંહ ગોહિલે તળાવ ઉંડુ ઉતારવા વગેરે મુદ્દે એજન્ડામાં વધારાનું કાર્ય રજૂ કરેલ. વિપક્ષની માંગણી મુજબ બાંધકામના આ કાર્યનો મેયર નિમુબેન બાંભણીયાએ સ્વીકાર કરીને બોર્ડમાં બોર તળાવ અને ભીકડા કેનાલ બાબતની ચર્ચા આપી હતી. વિપક્ષ કોંગ્રેસે આવી વધારાની દરખાસ્ત મુકી સમગ્ર બોરતળાવ અને ભીકડા કેનાલના વિકટ પ્રશ્નોની કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે અભ્યાસ પૂર્વક જોરદાર મુદ્દાસર રજૂઆત કરી હતી. આ ચર્ચામાં કોંગી સભ્યો અને ભાજપના નગરસેવકોએ પણ ભાગ લીધો હતો. બોર્ડમાં વધારાની આ દરખાસ્ત કોંગ્રેસે મુકી અને તે પાસ થાય તો કોંગીની સફળ રજૂઆત ગણાય પરંતુ વિપક્ષોની બધી રજૂઆત સાંભળી મેયરે અગમ બુદ્ધી વાપરી આ વધારાનું કાર્ય પાસ કરવા અધ્યક્ષ સ્થાનેથી લેવા વિપક્ષને કેતા કોંગ્રેસ નેતા જયદિપસિંહ ગોહિલ દ્યડીભર ધુંઆફુંવા થયા હતા અને આ ક્ષેત્રે કરેલી રજૂઆત નિષ્ફળ અને જસ શાસકોને ફાળે જાય આવી સ્થિતિ પેદા થતા દરખાસ્ત પાસ કરવા કોંગ્રેસ પાસે પુરા મતો નોતા એટલે દરખાસ્ત શાસકો ઉડાડી દે તેવી વાત આવતા છેવટે કોંગી નેતાએ લાંબો વિચાર કરી જતુ કરવાની ભાવના બતાવી મેયર અધ્યક્ષ સ્થાનેથી આ દરખાસ્ત લેવાય તો વધુ કાંઈ વાંધો નથી. એવું મોટુ મન રાખી મેયરને સંમતિ દિધી. જો કે કોંગ્રેસ વધારાનું કામ મુકે અને તે મુદ્દે અધ્યક્ષ સ્થાનેથી પાસ થાય તે રાજકિય દ્રષ્ટિએ કોંગ્રેસને તમાચો મારવા જેવી ઘટના બને છતા વિપક્ષની લાંબી રજૂઆતનું કાંઈક પરિણામ મેળવવા હા ભણી અને આ વધારાનું કામ શાસકોએ મેયરના અધ્યક્ષ સ્થાનેથી પાસ કર્યું અને કોંગ્રેસના સેવકો વાહ વાહ કેતા કેતા જેદા પડી ગયા.