ભાવનગર, તા.૩૦
ભાવનગરના તગડી ગામનો કુંભાર પરિવાર વેવિશાળ જોવાના અર્થે તળાજાના હલુકવડ ગામે જઈને પરત ફરતા હતા ત્યારે બપાડા પાટિયા પાસે ક્રૃષ્ના પેટ્રોલ પંપ પાસે રિક્ષા પલટી મારતા એક આધેડ કુંભાર મહિલાનું મોત થયું હતું જ્યારે બે લોકોને પગ તથા પેટના ભાગે ઈજા થતા સરકારી હોસ્પિટલની સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયાં છે.
બનાવની વિગત મુજબ તગડી ગામના કુંભાર પરિવાર તળાજાના હબુકવડ ગામે વેવિશાળમાં કામ અર્થે ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે તળાજા ધાબા પર જમીને પરત પોતાના ગામે જઈ રહ્યા હતાં ત્યારે બપાડા પાટિયા પાસે ક્રૃષ્ના પેટ્રોલ પંપ પાસે સી.એન.જી. રિક્ષા પલટી ખાતા અંદર બેઠેલા ૭ પૈકી શાંતુબેન બચુભાઈ કુંભાર (ઉ.વ.૬૦)નું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે મંગુબેન મનસુખભાઈ પરમાર (ઉ.૬પ) તથા રાજુભાઈ હીરાભાઈ ડોડિયાને પેટ તથા પગના ભાગે ઈજા થતાં તળાજા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરાયા હતા. બીજા બનાવમાં ભાવનગર શહેરનાં મિલેટ્રી સોસાયટીમાં રહેતા યુવાનને વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ વેળાવદર ભાલ પોલીસ મથક તળે આવતાં ચંદન સોલ્ટ નજીક તા.ર૮ના રોજ ઈન્દ્રવિજયસિંહ બાલુભા ગોહિલ (ઉ.૪૦)ને વાહન અકસ્માત થતાં જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.