ભાવનગર,તા.ર૧
ઘોઘાથી અલંગ થઈ રહેલ ટગમાં બ્લાસ્ટ થયા બાદ ટગ પાણીમાં ગરક થઈ જતાં ત્રણ ખલાસીઓ પણ ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ચાર ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.
અલંગ શીપયાર્ડમાં આવી રહેલ એમ.વી. પોલ નામના શીપના કસ્ટમ કલિયરન્સ માટે કસ્ટમના અધિકારીઓ તથા ટીમ તેમજ શીપ ખરીદનાર પાર્ટીના સભ્ય ઘોઘાથી વરૂણ ટગ મારફત શીપ પાસે પહોંચ્યા હતા. કસ્ટમના અધિકારીઓ તથા ટીમ શીપ પર પહોંચી ગયા બાદ વરૂણ ટગમાં ધડાકા સાથે આગ લાગતા ટગમા રહેલા સાત ખલાસીઓ ફસાયા હતા. આ બનાવની જાણ થતા ડીવાયએસપી મનિષ ઠાકર, ઘોઘા પોલીસ, કસ્ટમ તથા જીએમબીના અધિકારીઓ સહિતના દોડી ગયા હતા અને ટગમાં ફસાયેલા સાત પૈકી ચાર ખલાસીઓને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમ્યાન ટગ પાણીમાં ગરક થઈ જતા અન્ય ત્રણ ખલાસીઓ પણ ડૂબ્યા હતા. માછીમારો તેમજ મરીન પોલીસ દ્વારા પાણીમાં ડૂબી ગયેલ ત્રણ ખલાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.