ભાવનગર, તા.૧૮
ભાવનગર તળાજા રોડ ઉપર સાણોદર ગામના પાટિયા પાસે ટ્રેકટરમાંથી ઉથલી પડતા હાથબ વાડી વિસ્તારમાં રહેતા ગોવર્ધન ખીમજીભાઈ ચુડાસમા (ઉ.વ.પ૬) નામના આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજા બનાવમાં ભાવનગર જિલ્લાના સરતાનપર બંદર સામે રહેતા કોળી ભગતભાઈ જીણાભાઈ મકવાણા (ઉ.વ.પ૦) નામના આધેડ ગત તા.૧૪મીના રોજ પોતાના ઘરે અકસ્માતે પડી જતા તેમને ઈજા પહોંચતા સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન આજે તા.૧૮ના રોજ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા બનાવમાં પુનાના ખજુદ્રા ગામે રહેતા કોળી હમીરભાઈ રામજીભાઈ બારૈયા નામના યુવાને ગત તા.૧રમીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી લેતા તેને સૌ પ્રથમ ઉનાની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. ચોથા બનાવમાં ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા કાળુભાઈ માવજીભાઈ મકવાણા (ઉ.વ.૧૮) નામના કોળી યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચમા બનાવમાં ભાવનગર નજીકના વરતેજ પોલીસ તાબેના કરદેજ ગામે રહેતા રાજેશભાઈ વાલજીભાઈ મકવાણાએ વરતેજ પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત ગુરૂવારે સવારના સુમારે તેમના કાકા ગુણવંતભાઈ ભગવાનભાઈ મકવાણા કોઈ કામ સબબ ભાવનગર જવા માટે એસ.ટી. બસની રાહ જોઈને રોડ ઉપર ઊભા હતા તે વેળાએ ઘાંઘળી ગામ તરફથી આવતા ઉપરોકત ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવીને ફરિયાદીના કાકાને અડફેટે લઈ ટ્રક ચાલક નાસી છુટ્યો હતો. તેમજ ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી તેનો ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયેલા ટ્રક ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.