ભાવનગર, તા.૧૮
ભાવનગરની ૭ વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારે ૮ કલાકે શહેરની સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ. મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી હાથ ધરાઈ હતી.
ભાવનગરની ૭ વિધાનસભા પૈકીની ૬ વિધાનસભા બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જ્યારે તળાજા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાનો વિજય થયો હતો. ભાવનગરની પશ્ચિમ બેઠક ઉપર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી ચૂંટણી લડી રહ્યા હતા તેમનો કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો છે. તે જ રીતે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવેનો જવલંત વિજય થયો છે. મહુવા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આર.સી.મકવાણાનો વિજય થયો છે. આ બેઠક ઉપર આ અગાઉ આર.સી. મકવાણાના પત્ની ચૂંટણી જીત્યા હતા. તેમના સ્થાને આ વખતે ભાજપે તેમના પતિને ટિકિટ આપી હતી. અને તેમનો વિજય થયો હતો. જ્યારે પાલીતાણા બેઠક ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પ્રવિણ રાઠોડનો પરાજય થયો હતો. જ્યારે આ બેઠક ઉપર ભાજપના ભીખાભાઈ બારૈયાનો વિજય થયો હતો. આમ પાલીતાણા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી.
જ્યારે ભાવનગરની તળાજા વિધાનસભા બેઠક કોંગ્રેસના કનુભાઈ બારૈયાનો જવલંત વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તળાજા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચૂંટાયેલા હતા. જેથી કોંગ્રેસે તળાજાની બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી છે. જ્યારે ગારિયાધાર વિધાનસભાની બેઠક ઉપર ભાજપના કેશુભાઈ નાકરાણી વિજેતા જાહેર કરાયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક ઉપર ભાજપના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો જવલંત વિજય થયો છે. આમ ભાવનગરની ૭ વિધાનસભા બેઠકો પૈકીની ૬ ઉપર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.
તે જ રીતે ભાવનગર જિલ્લાથી છૂટું પડેલા બોટાદ જિલ્લાની બે બેઠકો બોટાદ અને ગઢડાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ ફિફટી-ફિફટી કરી નાંખ્યું છે. ગઢડા બેઠક ઉપર ભાજપના કેબિનેટ મંત્રી આત્મારામ પરમારને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ મારૂએ જવલંત વિજય મેળવ્યો છે. જ્યારે બોટાદ બેઠક ઉપર ભાજપના સૌરભભાઈ પટેલનો વિજય થયો હોવાનો અહેવાલો સાંપડી રહ્યા છે.