ભાવનગર,તા.૧૯
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા પ્રૌઢના હાથપગ બાંધી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી કોઈ અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. લૂંટ કે ચોરી મામલે હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ બનાવની જાણવા મળેલ વિગત મુજબ શહેરના કણબીવાડ, લાખાવાડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ વિરજીભાઈ પટેલ નામના પ્રૌઢના મકાનનો મુખ્ય દરવાજો આજે વ્હેલી સવારે ખુલ્લો હતો. આજુબાજુના રહેવાસીઓએ તપાસ કરતાં દિલીપભાઈના હાથ પગ બાંધેલી, લોહી લુહાણ હાલતે પડ્યા હોવાનું માલુમ પડતા આ અંગેની પોલીસને જાણ કરાતા જિલ્લા પોલીસ વડા, સિટી ડીવાયએસપી, એલસીબી, એસઓજી, સી-ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી. રૂમમાં રહેલા કબાટની ચીજવસ્તુઓ વેરવિખેર પડી હતી તેથી એવું માનવામાં આવે છે કે, કોઈ અજાણ્યા શખ્સો લૂંટ તથા ચોરીના ઈરાદે દિલીપભાઈના મકાનમાં ઘુસી ગયા હોય અને દિલીપભાઈએ તેમનો સામનો કરતાં આરોપીઓએ દિલીપભાઈના હાથપગ બાંધી તેમની હત્યા કરી નાસી છુટ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.