ભાવનગર, તા.૧૪
ભાવનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આયોજન હોલ, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે ખરીફ સિઝન વર્ષ ર૦૧૮-૧૯ અંતર્ગત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બાબતે ધારાસભ્યો તથા એપીએમસીના ચેરમેન સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ.આ મીટિંગમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં સમાવિષ્ટ અગત્યની બાબતો જેવી કે, મગફળી વેચવા માંગતા ખેડૂતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન, ખરીદ પ્રક્રિયામાં ખરીદી સમયે કરવામાં પ્રથમ તબક્કાથી માંડીને અંત સુધી સુપરવિઝન અને સંકલન માટે કરવામાં આવેલ અલગ-અલગ સમિતિની નિમણૂકની બાબત તેમજ અન્ય અગત્યના મુખ્ય મુદ્દાઓ વિશે જિલ્લા ખેતીવાડી અધિકારી સંજય કોસંબી દ્વારા વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.
કલેક્ટરે ધારાસભ્યો તથા એપીએમસીના ચેરમેનો સાથે અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરેલ અને જરૂરી સુચનો મેળવ્યા હતા.સદરહું મીટિંગમાં પાલિતાણા તાલુકાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા તળાજા તાલુકાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગર, તળાજા, મહુવા અને પાલિતાણા તાલુકાના એપીએમસી ચેરમેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.