(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.ર૬
ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ હત્યાનો બનાવ બનવા પામે છે. ધાંધળી ગામે યુવાનની, ભાવનગરમાં ક્ષત્રિય યુવાનની હત્યા બાદ આજે શહરેના સુભાષનગરમાં નજીવા કારણોસર યુવાનની હત્યાનો બનાવ બનવા પામ્યો છે.
મળતી વિગતો મુજબ શહેરમાં સુભાષનગર વિસ્તારમાં પંચવટી ચોક ખાતે પંચવટી રામદરબાર મંડળ દ્વારા કથાનું આયોજન થયું છે. આ કથા સ્થળની બાજુમાં રહેતા જીજ્ઞેષભાઈ સુરેશભાઈ ભટ્ટ (ઉ.વ.૩૩)એ તેના ઘર પાસે બાઈક પાર્ક કરવાની તેની બાજુમાં રહેતા ૧૬ વર્ષના સગીર વયના તરૂણને ના પાડતાં આ સગીરે ઉશ્કેરાઈ જઈ વિપ્ર યુવાન જીજ્ઞેષના પેટના ભાગે છરીનો ઘા ઝીંકતાં જીજ્ઞેષને લોહિયાળ હાલતે સરટી. હોસ્પિટલ ખસેડેલ જ્યાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
આ બનાવની જાણ થતાં જ સિટી ડીવાયએસપી મનીષ ઠાકર, બી ડિવિઝન પોલીસ, એલ.સી.બી., ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સામાન્ય બાબતે થયેલા ખૂનના આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગરમાં નજીવી બાબતે કિશોરે યુવાનની હત્યા કરતાં ચકચાર

Recent Comments