(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧પ
ભાવનગરમાં સગીરા ઉપર આચરવામાં આવેલ ગેંગ રેપ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓને ૬ વર્ષની, અન્ય ત્રણને ત્રણ વર્ષની કેદ, એક આરોપીને પુરાવાનો નાશ કરવા સબબ ર વર્ષની કેદ તથા અન્ય પાંચ આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે.
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આજથી પોણા છ વર્ષ પહેલા સગીરા ઉપર આ વિસ્તારમાં જ રહેતા મુખ્ય ત્રણ આરોપી સહિત ૧ર જેટલા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ ગેરકાયદેસર અટકાયત જાનથી મારી નાખવાની ધમકી લૂંટ સહિતનો ગુનો નોંધાયો હતો. આ બનાવમાં કુલ ૧ર જેટલા આરોપીઓમાં સામે જે તે સમયે ઈપીકો કલમ-૧ર૦(બી), ર૦૧, ૩૪૩, ૩૪૬, ૩૬૩, ૩૬૪(એ), ૩૭૬(જ), ૩૯પ, ૩૯૭, ૪પ૦, પ૦૬, ૧૧૪ તથા બી.પી.એકટ ૧૩પ મુજબનો ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના બીજા એડિશનલ સેશન્સ જજ આર.આઈ. ગનેરીવાલની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી ભરવાડ હનુ નગાભાઈ કસોટીયા, લાખા કામાભાઈ સાટીયા, વિપુલ ભુપતભાઈ ગોહેલને ૬ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જ્યારે સહઆરોપીઓ તુષાર ઉપેન્દ્ર ત્રિવેદી, જસા ટપુભાઈ, સંજય લક્ષ્મણભાઈને ત્રણ વર્ષની કેદની સજા જ્યારે પુરાવાનો નાશ કરવા સબબ આરોપી ભુપન નાનુ ગોહેલને દોષિત જાહેર કરી બે વર્ષની સજા જ્યારે તમામ આરોપીઓને લૂંટ, મારામારી સહિતની કલમો હેઠળ નિર્દોષ ઠેરવ્યા હતા. જ્યારે ભરત ઉર્ફે લાલો દેવાભાઈ મેરને શંકાનો લાભ આપ્યો છે. તેમજ ગોપાલ ઓધવજીભાઈ પરમાર, દીપક ઉર્ફે લસણ ભરતભાઈ ઉર્ફે રસીકભાઈ કારીયા, નિલેષ ભોપાભાઈ ચાવડા, રવિ મેપાભાઈ ચાવડાને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓને વિવિધ કલમો હેઠળ રોકડ રકમનો દંડ વસુલ આવે તે દંડ પૈકીની રકમમાંથી ભોગ બનનાર પીડિતો રૂા.પ૦ હજાર વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.