ભાવનગર, તા.૮
બે દિવસ પૂર્વે વલ્લભીપૂરના નવા ગામેથી નકલ નોટ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી દલસુખ ભીખાભાઈ પટેલ ભાવનગરીયા અને અન્ય એક આરોપીને પોલીસે અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ તપાસ દરમ્યાન આરોપી પાસેથી ખુલવા પામ્યું હતું કે ઉક્ત આરોપી દલસુખે રૂા.પ૦૦-૧૦૦-પ૦ અને ૧૦ના દરની રૂા.૧ લાખ ૬૭ હજારની નકલી નોટો તેના ઘરમાં છુપાવી છે. એસઓજીની ટીમે આરોપીના ઘરમાં તલાસી લઈ ઉક્ત દરની નકલ નોટો ઝડપી લીધી હતી. આરોપીએ ૧૦-પ૦-૧૦૦ જેવી નાની નોટો પણ ડુપ્લીકેટ છાપી હોવાનું ખુલવા પામતા પોલીસતંત્ર પણ ચોકી ઉઠ્યું હતું.
ભાવનગર જિલ્લા પોલીસ વડા પી.એલ.મલની સૂચનાથી બે દિવસ પૂર્વે ભાવનગરની એસઓજીની ટીમ અને વલ્લભીપુર પોલીસે રૂા.૯ લાખ ૬૭ હજાર પાનસોની રૂા.ર૦૦૦ તથા પ૦૦ના દરની નકલી નોટો સાથે આરોપી જગા રેવા ભુરખીયા (રહે. રાજપરા, ભાયાતી) નવાગામ તાલુકો વલ્લભીપુર તથા દલસુખભીખાભાઈ ભાવનગરીયા પટેલ (રહે. લાઠીદડ, ગામ ઉપરકોટ, બોટાદ) નામના બે આરોપીઓને જે તે સમયે ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપી દલસુખ પટેલે આપેલી કબુલાતના આધારે ગઈકાલે રવિવારે એસઓજી પોલીસે આરોપીના લાઠીદડ ગામે આવેલા ઘરમાં તપાસ કરતાં આરોપીના ઘરમાંથી રૂા.૧ લાખ ૬૭ હજારની વધુ નકલી નોટો મળી આવી હતી. આ નોટોમાં રૂા.પ૦૦ના દરની ૩૧૮ રૂા.૧૦૦ના દરની ૭પ, રૂા.૧૦ના દરની નોટ ૧૯ નોટો મળી આવતા પોલીસે તમામ નકલી નોટો કબજે લીધી હતી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.