અમદાવાદ, તા.૬
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરે દારૂ પીને ધમાલ મચાવી બે પીઆઈ અને એક પીએસઆઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે તેમજ પોલીસ સ્ટેશનનું લેપટોપ પણ તોડી નાંખ્યું હતું જેને પગલે સોલા પોલીસે દારૂ પીને ધમાલ મચાવનારા ભાવનગરના ઈન્ચાર્જ પીઆઈને પકડીને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.એચ.યાદવ એસપી રિંગ રોડ ભાડજ સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પીઆઈ યાદવને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સેકન્ડ પીઆઈ ડી.એચ.ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં યાદવે પોતાની ખાખીનો રોફ જમાવી ‘તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ’તેવી ધમકી આપી હતી. યાદવે એક કલાક પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલો છે અને ગાળાગાળી કરે છે. જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપતા તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તેની પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે.
યાદવ હાલ રજા પર છે અને ગાંધીનગર સરગાસણ પાસે સ્વાગત ફ્લેમિંગોમાં રહે છે.યાદવને મેડિકલ તપાસ માટે લઈ જતા ઉશ્કેરાઈ ગયા હતા અને ‘મારી ઉપર કેસ કેમ કર્યો’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઈનવે સ્કવોડમાં ઉશ્કેરાઈ જઈ લેપટોપની તોડફોડ કરી હતી. આ દરમિયાન પીઆઈ સહિત સ્ટાફના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા.
‘જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ’ તેમને સમજાવતા વધુ ઉશ્કેરાઈ ગયા હતા. તમે કઈ રીતે નોકરી કરો છો તે હું જોઈ લઈશ ‘જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ’ તેમજ ‘ક્યાં ગયો રાણા તને તો હું છોડીશ નહીં’ પીઆઈ ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે તને પણ હું છોડીશ નહીં’ તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ઈનવે રૂમમાં યાદવે ઇન્ચાર્જ પીઆઈ તરીકે હોવાનું કહી અને ખાખીનો રોફ જમાવી અધિકારીઓ સામે જ દાદાગીરી કરી હતી. સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.