ભાવનગર,તા.૧૧
સમગ્ર દિલ્હી સહિત દેશભરમાં ચકચારી બનેલી નિર્ભયા સામુહિક દુષ્કર્મનો મુખ્ય આરોપી સગીર હતો. આવી જ એક ઘટના ભાવનગર ખાતે બનવા પામી છે. સામુહિક દુષ્કર્મની ઘટનાનો મુખ્ય આરોપી પણ સગીર છે. આ સગીરે જ સગીરાને ધાક ધમકી આપી તેના ત્રણ મિત્રો સાથે અપહરણ કરી લઈ જઈ પ્રથમ સગીરે દુષ્કર્મ આચર્યા બાદ તેના ત્રણ મિત્રોએ પણ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ ધનિષ્ઠ તપાસ હાથ ધરી આ ચકચારી ઘટનામાં સંડોવાયેલા સગીર સહિત અન્ય ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. ઝડપાયેલા સગીરને ઓબ્ઝર્વેશન હોલમાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને આજે ભાવનગરની કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા ત્રણેય આરોપીઓના ૬ દિવસના અદાલતે રિમાન્ડ મંજૂર કર્યા હતા. દુષ્કર્મની આ ઘટનાથી સમગ્ર ભાવનગર શહેર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે અને આવા નરાધમ શખ્સો સામે ફીટકારની લાગણી પ્રસરી જવા પામી છે.
ભાવનગર શહેરમાં રહેતી એક ૧પ વર્ષની સગીરા પોતાની નાની બહેન સાથે તેના ફઈના ઘરે રમવા માટે ગઈ હતી. જ્યાંથી સાંજના સાતેક વાગ્યાના સુમારે બન્ને બહેનો ઘરે પરત આવી રહી હતી ત્યારે ભાવનગર શહેરના શિવાજી સર્કલ સામે પહોંચતા એક સગીર શખ્સે તેના મિત્રો સાથે આવી સગીરાને કહેલ કે, અમારી સાથે ચાલ, જો નહીં આવે તો તારા ફઈ, તારા બાપુ અને તને મારી નાખીશું તેવી ધમકી આપી બળજબરીથી તેણીને ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શંકરના મંદિર પાસે લઈ જઈ મોડી રાત સુધી બેસાડી રાખી પ્રથમ સગીર શખ્સે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેના મિત્રોએ વારાફરતી આવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં શિવાજી સર્કલ પાસે છોડીને તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા.
જ્યારે સગીરા મોડે સુધી પોતાના ઘરે નહીં પહોંચતા સગીરાને શોધવા તેમના પરિવારજનો નિકળ્યા હતા. જેને શિવાજી સર્કલમાંથી આ સગીરા પીંખાયેલી હાલતે મળી આવતા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેણી સામુહિક દુષ્કર્મનો ભોગ બની હોવાનો તબીબોની તપાસમાં ખુલ્યું હતું. સામુહિક દુષ્કર્મ અંગે આફતગ્રસ્ત સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા સ્થાનિક ઘોઘા રોડ પોલીસ મથકમાં સગીરાએ ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. સામુહિક દુષ્કર્મની ઘટનાની ગંભીરતા સમજી એસ.પી.ના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ઘોઘા રોડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તુરંત ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી હતી અને મુખ્ય સગીર આરોપી તેમજ અન્ય શખ્સ નિરવ જયંતીભાઈ શિયાળ (રહે. ઘોઘા જકાતનાકા, રામાપીરના મંદિર પાસે), મનીષ હિંમતભાઈ ઢાપા અને પ્રદીપ ઉર્ફે ટિવન્કલ કાન્તીભાઈ ઢાપા (રહે.બન્ને ઘોઘા જકાતનાકા, પેટ્રોલ પંપ પાછળ , મફતનગર)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલ મુખ્ય આરોપી સગીર હોવાથી તેને ઓબ્ઝર્વેશન હોલમાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ નિરવ, મનીષ અને પ્રદીપને સ્થાનિક ‘બી’ ડિવિ. પોલીસે ભાવનગરની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા આજે શનિવારે આ ત્રણેય આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.